યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' રિલીઝ થતાં જ વિવાદોના વંટોળમાં: મહિલાઓના આપત્તિજનક ચિત્રણ અને જાતીય શોષણના દ્રશ્યો સામે અન્નામલાઈએ સેન્સર બોર્ડ સામે લાલ આંખ કરી
સુપરસ્ટાર યશની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં મહિલાઓ પ્રત્યેના ભેદભાવપૂર્ણ વલણથી રોષ; સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના પ્રમાણપત્ર અને કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો.

ચેન્નાઈ તા.28: સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશની બહુચર્ચિત મલ્ટી-સ્ટારર ફિલ્મ 'ટોક્સિક' (Toxic) રિલીઝ થતાંની સાથે જ એક મોટા વિવાદના વંટોળમાં સપડાઈ ગઈ છે. મોટા પડદે ધમાકેદાર એન્ટ્રી કર્યાના ગણતરીના કલાકોમાં જ આ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સામે વિરોધના સુર ઉઠવા લાગ્યા છે. ફિલ્મમાં મહિલાઓ પ્રત્યે વધુ પડતું જાતીય શોષણ, કૌટુંબિક હિંસા અને અત્યંત ભેદભાવપૂર્ણ વલણ દર્શાવવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો સાથે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
'વી ધ લીડર્સ'ના સ્થાપક કે. અન્નામલાઈએ આ મુદ્દે આકરું વલણ અપનાવતાં ફિલ્મ નિર્માતાઓ અને સેન્સર બોર્ડ બંને પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સિનેમા સમાજનો અરીસો છે, પરંતુ મનોરંજનના નામે મહિલાઓનું આ પ્રકારે નગ્ન શોષણ દર્શાવવું અને તેમને હલકી ચીજવસ્તુ તરીકે ચિત્રિત કરવી અત્યંત અસંવેદનશીલ છે. આવી ફિલ્મો સમાજમાં ખોટો સંદેશો આપે છે અને સ્ત્રી સુરક્ષા સામે જોખમ ઊભું કરે છે.
આ સાથે જ અન્નામલાઈએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની કામગીરી અને તેની પારદર્શકતા પર તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે મહિલા સન્માનને ઠેસ પહોંચાડતા અને વધુ પડતી હિંસા ધરાવતા આવા કન્ટેન્ટને કયા આધારે સીબીએફસી દ્વારા મંજૂરી અને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું? શું સેન્સર બોર્ડ પોતાની સામાજિક જવાબદારીઓ ભૂલી ગયું છે?
હાલમાં સોશિયલ મીડિયા પર પણ આ દ્રશ્યોને લઈને ભારે બહાવાહ અને બહિષ્કારની માંગ શરૂ થઈ ગઈ છે. દર્શકોનો એક મોટો વર્ગ પણ ફિલ્મમાં મહિલાઓના ચિત્રણથી ભારે નારાજ દેખાઈ રહ્યો છે, જેના કારણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની અપેક્ષા રાખતી આ ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે કાનૂની અને સામાજિક વિવાદોના ઘેરાવમાં આવી ગઈ છે.
