મનોજ બાજપેયી બનશે મહાત્મા ગાંધી
આ ફિલ્મ ભારતની આઝાદીના ઇતિહાસના એવા ૨૧ દિવસ પર આધારિત છે જેના વિશે બહુ ઓછી ચર્ચા થઈ છે

મુંબઇ તા.૨૨: નેશનલ અવોર્ડ વિજેતા ઍક્ટર મનોજ બાજપેયી આગામી ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવશે. આ ઐતિહાસિક ફિલ્મ ભારતની આઝાદીના ઇતિહાસના એવા ૨૧ દિવસ પર આધારિત છે જેના વિશે બહુ ઓછી ચર્ચા થઈ છે. ફિલ્મના ડિરેક્શનની જવાબદારી સુધીર મિશ્રા પર છે જ્યારે એનું નિર્માણ અનુભવ સિન્હા પોતાના બનારસ મીડિયા વર્ક્સના બેનર હેઠળ કરી રહ્યા છે.
છેલ્લા એક દાયકામાં અનુભવ સિન્હાએ ‘મુલ્ક', ‘આર્ટિકલ ૧૫' અને ‘થપ્પડ' જેવી વિચારપ્રેરક ફિલ્મો દ્વારા સતત સમાજના મહત્ત્વના મુદ્દાઓને મોટા પડદા પર રજૂ કર્યા છે. હિન્દી સિનેમામાં લગભગ ૪૦ વર્ષ પૂર્ણ કરવાની તૈયારીમાં રહેલા સુધીર મિશ્રાએ ‘હઝારોં ખ્વાહિશેં ઐસી', ‘ધારાવી' અને ‘ઇસ રાત કી સુબહ નહીં' જેવી ફિલ્મો આપી છે. ત્રણ નેશનલ ફિલ્મ અવોર્ડથી સન્માનિત સુધીર મિશ્રા આ ફિલ્મથી કમબેક કરશે.
ફિલ્મના વિચાર વિશે વાત કરતાં ડિરેક્ટર સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘આ વાર્તા ઇતિહાસના એવા મહત્ત્વના પણ ઓછા ચર્ચાયેલા અધ્યાય પર કેન્દ્રિત છે જે મહાત્મા ગાંધીના જીવનના ૨૧ દિવસ દર્શાવે છે. જ્યારે દેશ આઝાદી તરફ આગળ વધી રહ્યો હતો અને દિલ્હી સત્તાનું કેન્દ્ર બની રહ્યું હતું ત્યારે ગાંધીજીએ ત્યાંથી દૂર જવાનો અણધાર્યો નિર્ણય લીધો હતો. આ નિર્ણય પાછળની સાચી માનસિક અને માનવીય સફરને આ ફિલ્મ દર્શાવશે.
