<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 13th August 2026

હવે અજય દેવગન બનશે ‘ક્રાઇમ પેટ્રોલ ૨૦૨૬'નો ચહેરો

અજય દેવગન સાથે ૩૧ ઓગસ્‍ટથી શરૂ થશે નવી સીઝન

મુંબઇ તા.૧૩: ક્રાઇમ અને થ્રિલર ફિલ્‍મો માટે જાણીતો અજય દેવગન હવે વાસ્‍તવિક જીવનના ક્રાઇમ અને થ્રિલરનો ભાગ બનશે. ‘ક્રાઇમ પેટ્રોલ ૨૦૨૬'ના માધ્‍યમથી એવા ગુનાનાકેસથી પ્રેરિત કિસ્‍સાઓ લઈને દર્શકો સમક્ષ આવશે, જેમણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ શોની નવી સીઝન સોની પર પ્રસારિત થશે.

અજય દેવગનની પ્રભાવશાળી સ્‍ક્રીન પ્રેઝન્‍સ અને ઘેરો અવાજ દર્શકોને એવા કિસ્‍સાઓની સફર પર લઈ જશે, જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં અજય સીધો દર્શકો સાથે વાત કરતો જોવા મળે છે. તે દર્શકોને આજના સમયની વાસ્‍તવિકતાઓથી ડરીને તેના પ્રભાવ હેઠળ ન આવવા, પરંતુ વધુ સાવચેતી રાખવાની અપીલ કરે છે.

અજય દેવગન આ સફરમાં દર્શકોના માર્ગદર્શક બનવાનું વચન પણ આપે છે. તે કહે છે, ‘‘મૈં રહુંગા આપકે સાથ.'' શોમાં જોડાવા અંગે અજય દેવગને કહ્યું, ‘‘‘ક્રાઇમ પેટ્રોલ' જેવા શો સાથે જોડાવું મારા ચાહકો અને દર્શકો પ્રત્‍યેની એક જવાબદારી જેવું લાગે છે. આ શોએ ગુનાની ઘટનાઓને સમજવાની સાથે દર્શકોમાં જાગૃતિ ફેલાવવાની પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. લોકોને પોતાની આસપાસના લોકો, તેમની સાથેના વ્‍યવહાર અને કોના પર વિશ્વાસ કરવો તે અંગે વધુ સતર્ક રહેવા માટે પણ શો પ્રોત્‍સાહિત કરે છે.''

તેણે વધુમાં કહ્યું, ‘‘અમે એવા કેટલાક કિસ્‍સાઓથી પ્રેરિત કહાણીઓને સામે લાવી રહ્યા છીએ, જેમણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મને આશા છે અને વિશ્વાસ છે કે હું દર્શકોને આ કહાણીઓને ડર સાથે નહીં પરંતુ સાવચેતીપૂર્વક સમજવા અને તેનો સામનો કરવા માટે મદદ તથા માર્ગદર્શન આપી શકીશ.'' ‘ક્રાઇમ પેટ્રોલ  ક્રાઇમ કા કરંટ સીઝન'ની નવી સીઝન સોમવાર, ૩૧ ઓગસ્‍ટ, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્‍યે શરૂ થશે. આ શો સોની ટીવી અને સોની લીવ પર જોવા મળશે

(9:55 AM IST)