૬ સપ્ટેમ્બરથી શરૂ થશે બિગ બોસઃસલમાને રિલીઝ ડેટ કરી કન્ફર્મ
રિયાલિટી શો કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થશે, જ્યારે ઓનલાઈન દર્શકો આ જિયોહોટસ્ટાર પર પણ સ્ટ્રીમ કરી શકશે

મુંબઈ,તા.૫: ટેલિવિઝનનો સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસનાં ફેન્સ માટે આ ગુડ ન્યૂઝ છે. ફરી એકવાર સલમાન ખાન તેનાં દમદાર અંદાજથી શો હોસ્ટ કરતો જોવા મળશે. આમ, તમે બિગ બોસ શો જોવાનાં શોખીન છો તો આ માહિતી તમારા માટે ખાસ છે.
બિગ બોસ ૨૦' નું ગ્રાન્ડ પ્રીમિયર ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ નાં રોજ થશે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર આ શો હોસ્ટ કરવા માટે તૈયાર છે. આ રિયાલિટી શો કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થશે, જ્યારે ઓનલાઈન દર્શકો આ જિયોહોટસ્ટાર પર પણ સ્ટ્રીમ કરી શકશે. નવા ટ્વિસ્ટ, રોમાંચક ટાસ્ક અને દમદાર કન્ટેસ્ટેન્ટ્સ સાથે આ સિઝન પહેલાં કરતા પણ ધમાકેદાર હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, બિગ બોસ ૨૦ નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં સલમાન ખાન ઘોડાની સાથે દમદાર અંદાજમાં એન્ટ્રી લેતો જોવા મળી રહ્યો છે. પ્રોમો રિલીઝ કરીને સલમાન ખાને એક મોટી ટ્વિસ્ટની હિન્ટ પણ આપી હતી. આ વીડિયો શેર કરતા મેકર્સે કેપ્શનમાં લખ્યું હતું કે, એકથી ભલા બે. ત્યારબાદ ફેન્સ શોમાં આવતા ટ્વિસ્ટને લઈને જાતજાતનાં અનુમાનો લગાવી રહ્યાં છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ અનુસાર બિગ બોસ ૨૦ ની ઘોષણાની સાથે સલમાન ખાને કહ્યું હતું કે, બિગ બોસની દરેક સિઝન નવા ટ્વિસ્ટ લઈને આવે છે. જો કે એક હિન્ટ તો સલમાન ખાને બહુ પહેલાથી જ આપી દીધી હતી.
છેલ્લાં ઘણાં સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે, બિગ બોસ ૨૦ માં જૂનાં કન્ટેસ્ટ્ન્ટ્સની વાપસી થઈ શકે છે. જો કે શોનાં લેટેસ્ટ પ્રોમો પરથી આ વાતને વધારે વેગ મળે છે. પ્રોમોમાં સલમાન ખાન તેની ફિલ્મ કરણ અર્જૂનનાં નામનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. આ પુનર્જન્મ પર આધારિત ફિલ્મ હતી. આ માટે માનવામાં આવે છે કે બિગ બોસ ૨૦ માં જૂનાં કન્ટેસ્ટેન્ટ્સની વાપસી થઈ શકે છે. જો કે મેકર્સે તરફથી આ વાતની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
