લગાન અને ગજિની ફેમ પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું ૭૪ વર્ષની વયે નિધન: કેન્સર સામેની જંગ હારી ગયા
કલાકારના અવસાનથી બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લહેર : સોનુ સૂદ અને યશપાલ શર્મા સહિત દિગ્ગજોએ આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ

મુંબઈ : ભારતીય સિનેમામાં પોતાની દમદાર અદાકારી અને શક્તિશાળી નકારાત્મક ભૂમિકાઓથી લાખો દર્શકોના દિલ પર રાજ કરનારા પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું ૭૪ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગંભીર બ્લડ કેન્સર જેવી મરણતોલ બીમારી સામે જંગ લડી રહ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત વધુ લથડતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના બિઝનેસ મેનેજર અને પરિવાર દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.
પ્રદીપ રાવતે ભારતીય ફિલ્મ જગતને એવી અનેક યાદગાર ભૂમિકાઓ આપી છે જે સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. આમિર ખાનની ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મ 'લગાન' માં તેમણે ભજવેલું 'દેવા' નું પાત્ર હોય કે પછી સુપરહિટ ફિલ્મ 'ગજની' માં શીર્ષક પાત્ર 'ગજની ધર્માત્મા' નો ભયાનક ખલનાયક અવતાર હોય, તેમણે પોતાની અદ્ભુત સ્ક્રીન પ્રેઝન્સ અને સંવાદ અદાયગીથી પાત્રોમાં પ્રાણ પૂરી દીધા હતા. હિન્દી ફિલ્મો ઉપરાંત તેમણે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સિનેમામાં પણ ધમાકેદાર અભિનય કરીને દક્ષિણ ભારતમાં પણ એક આગવી ઓળખ ઊભી કરી હતી.
તેમના નિધનના સમાચાર સામે આવતાં જ સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની કાલી ડિબંગ છાયા ફેલાઈ ગઈ છે. કલાકાર યશપાલ શર્મા અને સોનુ સૂદ સહિત બોલિવૂડ અને સાઉથના અનેક દિગ્ગજ કલાકારો તેમજ ચાહકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોનુ સૂદે ભાવુક થઈને લખ્યું કે, "પ્રદીપ ભાઈની ખોટ હંમેશા સાલશે." બુધવારે મુંબઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રદીપ રાવતના જવાથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક અસાધારણ અને પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યો છે.
