હોલીવુડ સુપરસ્ટાર બેન એફ્લેકે રચી દીધો ઇતિહાસ: ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ શોમાં જીત્યા $1 મિલિયન, આ પ્રશ્નનો જવાબ આપી બન્યા મિલિયોનેર!
‘જેપાર્ડી’ ચેમ્પિયન જેમી ડિંગ સાથે જોડી બનાવીને 15મા પ્રશ્નનો આપ્યો સાચો જવાબ: જીતેલી 8 કરોડથી વધુની તમામ રકમ ચૅરિટી ફાઉન્ડેશનને અર્પણ કરી

લોસ એન્જલસ, તા.30: હોલીવુડના જાણીતા અભિનેતા અને ઓસ્કાર વિજેતા બેન એફ્લેકે (Ben Affleck) રિયાલિટી ગેમ શો ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ (Who Wants to Be a Millionaire) ના મંચ પર પોતાના અદ્ભુત જ્ઞાનથી ઈતિહાસ રચી દીધો છે. બેન એફ્લેકે ‘જેપાર્ડી’ ચેમ્પિયન જેમી ડિંગ સાથે મળીને શોના તમામ 15 પ્રશ્નોના સાચા જવાબો આપીને $1 મિલિયન (આશરે 8.3 કરોડ રૂપિયા) ની ભવ્ય ઈનામી રકમ પોતાના નામે કરી લીધી છે. આ જીતેલી તમામ રકમ એફ્લેકના ચૅરિટી ફાઉન્ડેશન ‘ઈસ્ટર્ન કોંગો ઈનિશિયેટિવ’ ને દાનમાં આપવામાં આવશે.
બુધવારે રાત્રે પ્રસારિત થયેલા રોમાંચક એપિસોડમાં બેન એફ્લેક અને જેમી ડિંગે અંતિમ અને મિલિયન ડૉલર પ્રશ્નનો સામનો કર્યો હતો. પ્રશ્ન હતો: "અમેરિકાની વાર્ષિક થેંક્સગિવીંગ પરંપરામાં, યુએસ રાષ્ટ્રપતિ દ્વારા માફ કરવામાં આવેલા ટર્કી (Turkey) પક્ષીઓના નામમાં નીચેનામાંથી કઈ જોડી સામેલ નથી?" તેના વિકલ્પોમાં પીનટ બટર અને જેલી, ટેટર અને ટોટ, મેક અને ચીઝ તેમજ સ્પાઘેટ્ટી અને મીટબોલ્સ હતા. 'ફોન-એ-ફ્રેન્ડ' લાઈફલાઈનનો સમય પૂરો થઈ ગયા બાદ હોસ્ટ જીમી કિમેલની સલાહ અને પોતાના આત્મવિશ્વાસથી તેમણે 'સ્પાઘેટ્ટી અને મીટબોલ્સ' વિકલ્પ પસંદ કર્યો જે એકદમ સાચો પડ્યો હતો.
આ પહેલાં $500,000 ના પ્રશ્નમાં રાઈટ બ્રધર્સની પ્રથમ વિમાન ઉડાન સંબંધિત પ્રશ્નનો પણ એફ્લેકે પોતાના જ્ઞાનના આધારે સચોટ જવાબ આપ્યો હતો. જેવો સાચો જવાબ જાહેર થયો કે તરત જ સ્ટુડિયોમાં કોન્ફેટીનો વરસાદ શરૂ થઈ ગયો હતો અને બેન એફ્લેક તથા જેમી ડિંગે ખુશીથી ઝૂમીને ઉજવણી કરી હતી. હોસ્ટ જીમી કિમેલે પણ મજાક કરતાં કહ્યું હતું કે બેન એફ્લેક તેના બેસ્ટ ફ્રેન્ડ મેટ ડેમન કરતાં વધુ હોશિયાર સાબિત થયો છે.
