સદાબહાર અભિનેતા દેવ આનંદ અને કલ્પના કાર્તિકના એકમાત્ર પુત્ર સુનીલ આનંદનું ૭૦ વર્ષની વયે લંડનમાં હાર્ટ એટેકથી નિધન
'આનંદ ઔર આનંદ' થી ડેબ્યૂ કરનાર સુનીલ આનંદના અવસાનની ભાણી જીના નારંગે પુષ્ટિ કરી : પંચમ દાનું સંગીત અને કિશોર કુમારનો અવાજ હોવા છતાં અભિનય ક્ષેત્રે પિતા જેવી સફળતા ન મળી

મુંબઈ: હિન્દી સિનેમાના દિગ્ગજ અને સદાબહાર અભિનેતા દેવ આનંદ તથા કલ્પના કાર્તિકના એકમાત્ર પુત્ર સુનીલ આનંદનું ૭૦ વર્ષની વયે નિધન થયું છે. ૨૬ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લંડન ખાતે હાર્ટ એટેક આવ્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુનીલ આનંદના નિધનની પુષ્ટિ તેમની ભાણી જીના નારંગે પરિવાર તરફથી જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કરી હતી. આ દુઃખદ સમયે મળી રહેલા પ્રેમ અને પ્રાર્થનાઓ માટે આભાર વ્યક્ત કરતા પરિવારે પ્રાઇવસી જાળવી રાખવા અપીલ કરી છે.
એંસીના દાયકાના પ્રારંભમાં જ્યારે જૂની પેઢીના દિગ્ગજ કલાકારો નવોદિતોને વારસો સોંપી રહ્યા હતા, ત્યારે દેવ આનંદે ૧૯૮૪માં પોતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'આનંદ ઔર આનંદ' મારફતે પુત્ર સુનીલને બોલિવૂડમાં લોન્ચ કર્યા હતા. દેવ આનંદે આ ફિલ્મને યાદગાર બનાવવા માટે સંગીતની જવાબદારી રાહુલ દેવ બર્મન (પંચમ દા) ને સોંપી હતી અને ગીતોમાં અવાજ કિશોર કુમારે આપ્યો હતો.
અભિનયમાં પ્રવેશતા પહેલા માર્શલ આર્ટ્સની તાલીમ લેનાર સુનીલ આનંદ પાસેથી તેમના આકર્ષક વ્યક્તિત્વ અને પરિવારના વારસાને કારણે મોટી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ વ્યાવસાયિક રીતે સફળ ન રહી. ત્યારબાદ તેઓ 'કાર થીફ', 'મૈં તેરે લિયે' અને ૨૦૦૧માં માર્શલ આર્ટ્સ પર આધારિત પોતાની નિર્દેશિત ફિલ્મ 'માસ્ટર'માં જોવા મળ્યા હતા, પરંતુ તેઓ સફળ નાયકોની શ્રેણીમાં કાયમી સ્થાન મેળવી શક્યા નહોતા.
સ્ટાર-સંતાન હોવાના નાતે મોટો મંચ અને શ્રેષ્ઠ તકનીકી સહયોગ મળવા છતાં દર્શકોની પૂર્ણ સ્વીકૃતિ ન મેળવી શકનારા કલાકારોમાં સુનીલ આનંદની ગણના થાય છે. આમ છતાં, 'આનંદ ઔર આનંદ' ફિલ્મને આજે પણ દેવ આનંદ દ્વારા પોતાના પુત્રને સ્થાપિત કરવા માટે કરાયેલા એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ તરીકે યાદ કરવામાં આવે છે.
