<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 21st July 2026

"કાંડા પર લક્ઝરી અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ!": સિતારવાદક ઋષભ શર્માએ 'રામાયણ' ઈવેન્ટમાં રૂ. ૩૫.૮ લાખની 'રામ જન્મભૂમિ' વોચ પહેરી આકર્ષ્યું સૌનું ધ્યાન!

સ્વિસ ઘડિયાળ ઉત્પાદક જેકબ એન્ડ કંપનીની દુર્લભ 'એપિક એક્સ રામ જન્મભૂમિ એડિશન': ૨D ટાઇટેનિયમથી બનેલું રામ મંદિર, કેસરી સ્ટ્રેપ અને પૃષ્ઠભાગમાં 'જય શ્રી રામ' ના શિલાલેખે રોકી સૌની નજર!

મુંબઈ, તા.૨૧: અભિનેતા રણબીર કપૂર અને સાઉથ સ્ટાર યશની બહુચર્ચિત આગામી ફિલ્મ 'રામાયણ: પ્રથમ સંકલ્પ'ના એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન સંગીત ક્ષેત્રના ઉગતા સિતારા અને સિતારવાદક ઋષભ રિખીરામ શર્માએ પોતાના અનોખા ફેશન સ્ટેટમેન્ટથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ સિતારવાદકે પોતાના કાંડા પર લક્ઝરી વોચ બ્રાન્ડ જેકબ એન્ડ કંપની (Jacob & Co.) ની અત્યંત દુર્લભ એવી 'એપિક એક્સ રામ જન્મભૂમિ એડિશન' પહેરી હતી, જેની કિંમત આશરે રૂ. ૩૫.૮૮ લાખ છે.

સુપ્રસિદ્ધ પંડિત રવિશંકરના શિષ્ય એવા ઋષભ શર્મા 'રામાયણ' ફિલ્મમાં ઓસ્કાર વિજેતા હંસ ઝિમર અને સંગીત સમ્રાટ એ.આર. રહેમાન સાથે સંગીત આપવા જઈ રહ્યા છે. તેમણે એથોસ વોચેસના સહયોગથી તૈયાર કરાયેલી આ ખાસ ઘડિયાળ પહેરીને ભારતીય સંસ્કૃતિ અને સ્વિસ હોરોલોજીના મિલનનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ઘડિયાળમાં શું છે ખાસ? અયોધ્યા ધામથી પ્રેરિત અનોખી ડિઝાઇન

આ મર્યાદિત આવૃત્તિ (Limited-Edition) ઘડિયાળમાં અયોધ્યાના ઐતિહાસિક રામ મંદિરની બારીક કારીગરી કરવામાં આવી છે.

·         ઘડિયાળના સ્કેલેટન ડાયલ પર અયોધ્યા રામ મંદિરની ૨D ટાઇટેનિયમ કોતરણી છે.

·         તેમાં ધનુષ્ય-બાણ સાથે ભગવાન શ્રી રામ અને ભક્તિભાવમાં લીન સંકટમોચન હનુમાનજીની આકૃતિ કંડારવામાં આવી છે.

·         ડાયલના પાયામાં પવિત્ર "જય શ્રી રામ" લખેલું છે, જ્યારે તેના ૪૪ mm ના ટાઇટેનિયમ કેસ સાથે આધ્યાત્મિક થીમને અનુરૂપ ભગવા-નારંગી (Saffron-Orange) રંગનો રબર પટ્ટો જોડાવામાં આવ્યો છે.

દુનિયાભરમાં માત્ર ૪૯ નંગ જ ઉપલબ્ધ

જેકબ એન્ડ કંપનીની આ સ્પેશિયલ સિરીઝ વૈશ્વિક સ્તરે માત્ર ૪૯ નંગ જ બનાવવામાં આવી છે. આ પહેલાં આ દુર્લભ ઘડિયાળ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, અભિષેક બચ્ચન અને ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવના કાંડા પર પણ જોવા મળી ચૂકી છે. ભારતીય સંસ્કૃતિ અને રામાયણના વારસાને ઉજવતા આ કાર્યક્રમમાં આ ઘડિયાળ પહેરીને ઋષભ શર્માએ પોતાની સંગીતમય યાત્રા અને ભારતીય વારસા સાથેનો ઊંડો સંબંધ વ્યક્ત કર્યો હતો.

(5:23 PM IST)