<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 18th July 2026

72મો નેશનલ ફિલ્મ એવોર્ડ : રાજકુમાર રાવની 'શ્રીકાંત' શ્રેષ્ઠ ફિલ્મ : આનંદ એલ. રાય અને ધનુષનો દબદબો : યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

જ્યુરીની લાંબી મથામણ બાદ વર્ષ ૨૦૨૪ ના સિનેમાઈ સિતારાઓની સત્તાવાર જાહેરાત : આનંદ એલ. રાયને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' માટે બેસ્ટ ડિરેક્ટર તો ધનુષની 'રિયાન' તમિલની શ્રેષ્ઠ ફિલ્મ જાહેર

નવી દિલ્હી:  ભારતીય સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત એવા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની  સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૪ ની શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોની યાદી જાહેર થતાં જ સિનેમા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. જ્યુરી સભ્યો વચ્ચે ચાલેલી લાંબી ચર્ચા અને આશરે બે અઠવાડિયાના વિલંબ બાદ આખરે વિજેતાઓના નામો પર મહોર વાગી છે. આ વર્ષના પુરસ્કારોમાં બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવની મુખ્ય ભૂમિકાવાળી અને તુષાર હિરાનંદાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 'શ્રીકાંત' ફીચર ફિલ્મ શ્રેણીમાં 'શ્રેષ્ઠ ફિલ્મ' નો તાજ પોતાના નામે કરીને મેદાન મારી ગઈ છે.

આ વર્ષે ખ્યાતનામ ફિલ્મ નિર્માતા જયરાજની આગેવાની હેઠળની ૧૧ સભ્યોની હાઈ-પ્રોફાઈલ જ્યુરીએ દેશભરમાંથી આવેલી સેંકડો એન્ટ્રીઓનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યું હતું. નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં જાણીતા દિગ્દર્શક આનંદ એલ. રાયને તેમની ડોક્યુમેન્ટ્રી "સ્ટેચ્યુ ઓફ યુનિટી - સિમ્બોલ ઓફ યુનિટી" માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સાઉથ સિનેમાનો પણ આ યાદીમાં ભારે દબદબો જોવા મળ્યો છે, જેમાં સુપરસ્ટાર ધનુષની ફિલ્મ 'રિયાન' ને શ્રેષ્ઠ તમિલ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે તેની જ ફિલ્મ 'કેપ્ટન મિલર' અને અરવિંદ સ્વામી-કાર્તિની ફિલ્મ 'મિયાઝગન' ને સ્પેશિયલ મેન્શન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તુલુ ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ 'ઈમ્બુ' અને તેલુગુમાં 'કમ્મીટી કુરોલુ' એ બાજી મારી છે.

અન્ય મહત્વપૂર્ણ કેટેગરીઝની વાત કરીએ તો, સિનેમા પર શ્રેષ્ઠ લેખન માટે સંજીવ શ્રીવાસ્તવને 'શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક' નો એવોર્ડ મળ્યો છે. નોન-ફીચર ફિલ્મોમાં હિન્દી ફિલ્મ 'રામ-નામી' ને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ, જ્યારે સામાજિક-પર્યાવરણીય મૂલ્યો માટે 'પિપ્લાન્ટારી' ને સન્માનિત કરવામાં આવી છે. મરાઠી શોર્ટ ફિલ્મ 'હમસફર' શ્રેષ્ઠ ટૂંકી ફિલ્મ બની છે અને ફરાઝ અલીને હિન્દી-કાશ્મીરી શોર્ટ ફિલ્મ 'ઓબુર' માટે બેસ્ટ સ્ક્રિપ્ટનો એવોર્ડ મળ્યો છે. ૧ જાન્યુઆરી થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પ્રમાણિત કરાયેલી કળાને આ પુરસ્કારો દ્વારા રાષ્ટ્રીય મંચ પર સરાહવામાં આવી છે.

(7:14 PM IST)