રાઘવ જુયલ સાથેના અફેરની ચર્ચાઓ પર શહેનાઝ ગિલે આખરે તોડ્યું મૌન, કહ્યું - 'તે મારો ખૂબ જ ખાસ મિત્ર છે'
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ડેટિંગના વારંવાર ઉઠતા સવાલો વચ્ચે અભિનેત્રીએ સ્પષ્ટતા કરતા અંગત જીવન વિશે વાત કરવાનો કર્યો ઇનકાર: રાઘવની આગામી ફિલ્મ માટે ચાહકોને કરી અપીલ

મુંબઈ:લોકપ્રિય અભિનેત્રી અને બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ લાંબા સમયથી ડાન્સર અને અભિનેતા રાઘવ જુયલ સાથેના કથિત રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં રાઘવ જુયલની બર્થ-ડે પાર્ટીના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેમના ડેટિંગની અફવાઓને વેગ આપ્યો હતો. આ વીડિયોમાં બંનેની નિકટતા જોઈને ચાહકોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી. જોકે, હવે આ સમગ્ર મામલે શહેનાઝ ગિલે પોતે મૌન તોડીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
એક તાજેતરના ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે શહેનાઝને રાઘવ જુયલ સાથેના તેના સંબંધો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે ખૂબ જ પરિપક્વતા સાથે જવાબ આપ્યો હતો. શહેનાઝે સ્પષ્ટ કર્યું કે તે પોતાની અંગત જિંદગી વિશે કોઈ પણ જાતની ચર્ચા કરવા માંગતી નથી. તેણે કહ્યું, "પ્લીઝ, મને અંગત સવાલો ન પૂછશો."
અફવાઓ પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કરતા શહેનાઝે રાઘવ સાથેના પોતાના સંબંધને માત્ર મિત્રતાનું નામ આપ્યું હતું. તેણે રાઘવની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "રાઘવ મારો ખૂબ જ સારો અને ખાસ મિત્ર છે." તેણે આ વાત પર ભાર મૂકતા કહ્યું કે, અફવાઓ પર ધ્યાન આપવાને બદલે તેના કામને મહત્વ આપવું જોઈએ.
શહેનાઝે વાતચીતનો દોર બદલીને રાઘવ જુયલની આગામી ફિલ્મ 'ભાઈ તેરા સ્ટાર હૈ' પર કેન્દ્રિત કર્યો હતો. તેણે પોતાના ચાહકોને વિનંતી કરી હતી કે તેઓ રાઘવની આ નવી ફિલ્મને પૂરો સપોર્ટ આપે. શહેનાઝે જણાવ્યું કે, "મારા મિત્રની ફિલ્મ આવી રહી છે, તમારે બધાએ તેને જરૂરથી સપોર્ટ કરવો જોઈએ." તેણે વધુમાં ઉમેર્યું કે રાઘવે ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી એક આગવી ઓળખ બનાવી છે અને તેની સફળતા માટે આ ફિલ્મનું સારું ચાલવું અત્યંત જરૂરી છે.
નોંધનીય છે કે શહેનાઝ ગિલ અને રાઘવ જુયલની મિત્રતાની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારથી જ બંનેના ડેટિંગના સમાચારો વારંવાર સામે આવતા રહ્યા છે. અગાઉ પણ રાઘવ જુયલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે અને તે હાલમાં સિંગલ છે. હવે શહેનાઝના આ નિવેદન બાદ ફરી એકવાર સાબિત થયું છે કે બંને વચ્ચે માત્ર પ્રોફેશનલ અને મિત્રતાનો સંબંધ છે.
