એક ઇન્સ્ટાગ્રામ રીલની કિંમત 76 લાખ રૂપિયા અને ડિનરના 25 લાખ :"ઓરી'એ કર્યો પોતાની કરોડોની કમાણીનો ખુલાસો
ઓરહાન અવત્રામણિ ઉર્ફે 'ઓરી'. લોકોના મનમાં હંમેશા એક જ સવાલ રહેતો હોય છે કે આખરે ઓરી કરે છે શું અને તેની લાઈફસ્ટાઈલ જાળવવા માટે કમાણી કેવી રીતે થાય છે?

મુંબઈ :બોલીવુડની હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ હોય કે અંબાણી પરિવારના ભવ્ય ફંક્શન, દરેક જગ્યાએ એક ચહેરો અચુક જોવા મળે છે અને તે છે ઓરહાન અવત્રામણિ ઉર્ફે 'ઓરી'. લોકોના મનમાં હંમેશા એક જ સવાલ રહેતો હોય છે કે આખરે ઓરી કરે છે શું અને તેની લાઈફસ્ટાઈલ જાળવવા માટે કમાણી કેવી રીતે થાય છે? તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન ઓરીએ પોતાની કરોડોની આવકના સ્ત્રોત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જે સાંભળીને સોશિયલ મીડિયા પર લોકો હેરાન રહી ગયા છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર ઓરીએ જણાવ્યું કે તેની આવકનો મોટો હિસ્સો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્પોન્સર્ડ કન્ટેન્ટમાંથી આવે છે. તેણે મોટો દાવો કર્યો હતો કે ગયા મહિને તેણે માત્ર એક ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે 76 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઓરીની લોકપ્રિયતા અત્યારે એટલી છે કે મોટી બ્રાન્ડ્સ તેને આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર છે. તેણે પોતાના ઓનલાઇન પ્લેટફોર્મને એક નફાકારક બિઝનેસમાં ફેરવી દીધું છે.
કમાણીના અન્ય સ્ત્રોત વિશે વાત કરતા ઓરીએ જણાવ્યું કે તે ઇવેન્ટ્સ અને 'પેઈડ ફ્રેન્ડશિપ' દ્વારા પણ કમાણી કરે છે. લોકો તેને પોતાના પ્રાઈવેટ ઇવેન્ટ્સ જેવા કે લગ્ન, બર્થડે પાર્ટી, લંચ કે ડિનર માટે હાયર કરી શકે છે. ઓરી આ ઇવેન્ટ્સમાં હાજરી આપવા માટે 15 લાખ થી 25 લાખ રૂપિયા સુધીની ફી લે છે. આ ઇવેન્ટ્સમાં તે મહેમાનો સાથે વર્ષો જૂના મિત્રની જેમ ભળી જાય છે, પરિવાર સાથે વાતચીત કરે છે અને હોસ્ટની ઈચ્છા મુજબ મહેમાનો સાથે ફોટા પણ પડાવે છે. ઓરીના મતે આ એક એવો અનુભવ છે જે લોકો ખરીદી શકે છે.
આટલી મોટી કમાણી કરવા છતાં ઓરી પોતાના નાણાકીય વ્યવહારો માટે કોઈ પ્રોફેશનલ મેનેજર નથી રાખતો. તેણે એક રસપ્રદ વાત શેર કરી કે તે પોતાનો બધો જ કમાયેલો પૈસો પોતાના માતા-પિતાને સોંપી દે છે અને તેઓ જ તેના ફાઈનાન્સ મેનેજ કરે છે. મુંબઈના જાણીતા બિઝનેસ પરિવાર સાથે સંકળાયેલા હોવા છતાં ઓરી આજે પણ આ મામલે પોતાના પેરેન્ટ્સ પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે.
ઓરીએ પોડકાસ્ટમાં ગર્વ સાથે કહ્યું કે અત્યારે ભારતમાં માત્ર બે જ લોકો પોતાના ખાસ પોઝ માટે જાણીતા છે - એક શાહરૂખ ખાન અને બીજો તે પોતે. પોપ સ્ટાર રિહાનાથી લઈને ઈશા અંબાણી સુધીના અનેક દિગ્ગજો સાથે ફોટા પડાવનાર ઓરીએ પોતાની એક અતૃપ્ત ઈચ્છા પણ વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે હવે માત્ર વડાપ્રધાન મોદી સાથે એક ફોટો ક્લિક કરાવવાની તેની ઈચ્છા બાકી રહી ગઈ છે.
પોતાના ભવિષ્ય વિશે વાત કરતા 30 વર્ષીય ઓરીએ જણાવ્યું કે તે 20 કે 25 વર્ષની ઉંમરે ફેમસ નથી થયો પણ 30ની ઉંમરે થયો છે, તેથી તે અત્યારે આ પ્રસિદ્ધિને એન્જોય કરવા માંગે છે. તે 34 વર્ષની ઉંમરે લગ્ન કરવા ઈચ્છે છે અને લગ્ન માટે તે એવા પાર્ટનરને શોધશે જે અત્યંત અમીર હોય. હાલમાં તો ઓરી પોતાની આ 'આલીશાન' જિંદગી અને સ્ટારકિડ્સ સાથેની મિત્રતાને કારણે ચર્ચામાં રહે છે.
