બોલીવૂડ સિતારાઓને દાઢે વળગ્યું ગુજરાતી ભોજન
અમદાવાદમાં લીધી ગુજરાતી થાળીની મજા : બોલિવૂડ ફિલ્મ હે જવાની તો ઈશ્ક હોના હૈ ના પ્રમોશન માટે વરુણ ધવન, મૃણાલ ઠાકુર, પૂજા હેગડે અને નિર્માતા રમેશ તૌરાની અમદાવાદ આવ્યા હતાઃ કલાકારોએ પરંપરાગત ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો

અમદાવાદ તા.૧: મેગા સિટી અમદાવાદ હંમેશાથી પોતાની અદ્ભુત મહેમાનગતિ અને અવનવા સ્વાદ માટે દેશભરમાં પ્રખ્યાત રહ્યું છે. ત્યારે આજે બોલિવૂડની એક હાઈ-પ્રોફાઈલ ગેંગ આ જ અસલ અમદાવાદી સંસ્કૃતિના રંગે રંગાયેલી જોવા મળી હતી. ટૂંક સમયમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ હે જવાની તો ઈશ્ક હોના હૈ ના પ્રમોશનના સિલસિલામાં ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ અને મેકર્સ આજે ખાસ અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુપરસ્ટાર વરુણ ધવન, ખૂબસૂરત અભિનેત્રી મૃણાલ ઠાકુર, ગ્લેમરસ પૂજા હેગડે અને ફિલ્મની સમગ્ર ટીમે ગુજરાતની ધરતી પર પગ મૂકતાની સાથે જ અહીંના અદ્ભુત આતિથ્ય સત્કારનો અનુભવ કર્યો હતો.
અમદાવાદના એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ આ તમામ કલાકારો સીધા જ ખાણીપીણીના શોખીનોના ફેવરિટ સ્પોટ અને શહેરના જાણીતા રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા હતા. આ ખાસ પ્રમોશનલ ટૂરમાં તેમની સાથે હિન્દી સિનેમા જગતના સુપ્રસિદ્ધ અને દિગ્ગજ નિર્માતા રમેશ તૌરાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું તિલક અને સૂતરની આંટી પહેરાવીને ભવ્ય તેમજ શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મુલાકાત માત્ર ગ્લેમર અને ફિલ્મ પ્રમોશન પૂરતી સીમિત ન રહેતા, એક અત્યંત પ્રેરણાદાયી સામાજિક સદભાવનો ઉત્સવ બની ગઈ હતી. કલાકારો અને નિર્માતા રમેશ તૌરાનીએ ખાસ આમંત્રણ આપીને બોલાવાયેલા ચાંદની ફાઉન્ડેશન NGO ના અનાથ અને માસૂમ બાળકો સાથે મુલાકાત કરી હતી. વરુણ, મૃણાલ અને પૂજાએ કોઈપણ જાતના સેલિબ્રિટી રોફ વગર આ બાળકો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક સમય વિતાવ્યો હતો.
એટલું જ નહીં, આ સિતારાઓએ જમીન પર બેસીને બાળકોની હરોળમાં કાંસાની પરંપરાગત થાળીમાં પીરસવામાં આવતી અસલ ગુજરાતી વાનગીઓ જેવી કે દાળ-ભાત, રોટલી, શાક અને ફરસાણનો મન ભરીને આનંદ માણ્યો હતો. બોલિવૂડના આટલા મોટા કલાકારોને પોતાની આટલી નજીક જમતા જોઈને બાળકોના ચહેરા પર અદ્ભુત અને નિર્દોષ સ્મિત રેલાયું હતું.
ત્યારબાદ વાતચીત દરમિયાન અભિનેત્રી મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેએ અમદાવાદીઓના આતિથ્ય સત્કાર તેમજ બાળકો સાથે વિતાવેલી આ અવિસ્મરણીય ક્ષણો બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે, ગુજરાત અને અમદાવાદમાં આવીને જે નિઃસ્વાર્થ પ્રેમ અને સન્માન મળે છે, તે ખરેખર હૃદયસ્પર્શી છે. આ સ્વાદ અને આ બાળકોનો પ્રેમ અમે ક્યારેય નહીં ભૂલીએ.
શાહી ભોજનનો રસાસ્વાદ માણ્યા બાદ અને માસૂમ બાળકો સાથે ખુશીઓની પળો વહેંચ્યા પછી કલાકારોએ મીડિયા સમક્ષ પોતાની આગામી રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ 'હે જવાની તો ઈશ્ક હોના હૈ' વિશે દિલ ખોલીને રસપ્રદ વાતો શેર કરી હતી. દિગ્ગજ નિર્માતા રમેશ તૌરાનીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આજના સમયની યુવા પેઢી, પ્રેમ, લાગણીઓ અને સંબંધોના સુંદર તાણાવાણા પર આધારિત છે. પત્રકાર પરિષદના અંતે સમગ્ર ટીમે અમદાવાદીઓને ખાસ આગ્રહભરી અપીલ કરી હતી કે તેઓ પોતાના પરિવાર સાથે નજીકના થિયેટરોમાં જઈને આ ફિલ્મને પોતાનો ભરપૂર પ્રેમ અને આશીર્વાદ આપે.
