<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 31st May 2026

વરૂણ ધવનની ફિલ્મમાં 'ચુનરી' ગીતનો ઉપયોગ કરાતા હોબાળોઃ મેકર્સ પર ૪૦૦ કરોડનો કેસ

અદાલતે વાસુ ભગનાનીને કેસ ફાઈલ કરવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે

મુંબઈ, તા.૩૧: બોલિવૂડ એક્ટર વરૂણ ધવનની આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'ને લઈને ટેન્શન વધી ગયું છે. આગામી ૫ જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા જ ડિરેક્ટર ડેવિડ ધવન અને 'ટિપ્સ' મ્યુઝિક કંપની માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ વિરુદ્ધ ૪૦૦ કરોડનો અધધધ કાયદાકીય કેસ ઠોકી દીધો છે. ચાલો જાણીએ શું છે આ આખો વિવાદ.વરૂણ ધવન અને તેના પિતા ડેવિડ ધવન હાલમાં આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત 'ચુનરી ચુનરી' રિલીઝ થયું હતું, જે બોલિવૂડના જૂના આઇકોનિક ગીતનું રિમેક છે. આ ગીત બહાર આવતાની સાથે જ પ્રોડ્યુસર વાસુ ભગનાની અને ફિલ્મના મેકર્સ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. હવે આ મામલે નવો અને મોટો વણાંક આવ્યો છે. વાસુ ભગનાનીની કંપની 'પૂજા એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ'એ બોમ્બે હાઈકોર્ટમાં ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રમેશ તૌરાની, કુમાર એસ. તૌરાની અને ડેવિડ ધવન વિરુદ્ધ કેસ ફાઈલ કરીને મોટો ઝટકો આપ્યો છે.વરૂણ ધવનની આ ફિલ્મ પર વાસુ ભગનાનીએ પરવાનગી વિના ગીતોનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વાસુ ભગનાનીના વકીલ 'વી. કે. દુબે એસોસિએટ્સ' દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાનૂની નોટિસમાં ફિલ્મના પ્રમોશનલ મટીરિયલ, વિવાદિત ગીત 'ચુનરી ચુનરી' અને 'ઇશ્ક સોના હૈ'ના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મની ડિસ્ટ્રિબ્યુશન, સ્ટ્રીમિંગ અને કમર્શિયલ ઉપયોગ પર પણ રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.અદાલતે વાસુ ભગનાનીને કેસ ફાઈલ કરવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. બોલિવૂડની આ અત્યાર સુધીની સૌથી મોટી કોપીરાઈટ લડાઈ માનવામાં આવી રહી છે.

(1:03 PM IST)