<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 22nd May 2026

કંગના રનૌતના ગુપ્ત લગ્નનું શું છે અસલી રહસ્ય? ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર વાળા લુક પર એક્ટ્રેસે પોતે જ ખોલ્યું રાજ!

"હું છૂપી રીતે લગ્ન નહીં કરું..." વધતી અફવાઓ અને ઉપરાઉપરી આવતા ફોન કોલ્સથી પરેશાન કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ચાહકોની મૂંઝવણ દૂર કરી

મુંબઈ, તા.૨૨: બોલિવૂડની પંગા ગર્લ, અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌત (Kangana Ranaut) હંમેશાં કોઈને કોઈ કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ગુરુવારે સાંજે મુંબઈમાં કંગનાનો એક એવો લુક કેમેરામાં કેદ થયો, જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. લીલી બંગડીઓ, કપાળમાં બિંદી, આંખો પર સનગ્લાસ અને સૌથી અગત્યનું ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પુરેલી કંગના જ્યારે કડક સુરક્ષા વચ્ચે પોતાની કાર તરફ જતી જોવા મળી, ત્યારે ફેન્સ ચોંકી ગયા હતા. ઇન્ટરનેટ પર તુરંત જ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું કે કંગનાએ લાઈમલાઈટથી દૂર રહીને ગુપ્ત રીતે લગ્ન (Secret Marriage) કરી લીધા છે.
ઉપરાઉપરી આવતા ફોન કોલ્સથી પરેશાન થઈ કંગના
આ ‘ગુપ્ત લગ્ન’ની ચર્ચાએ એટલું જોર પકડ્યું કે કંગનાના સંબંધીઓ અને ચાહકો તરફથી તેને અભિનંદનના ફોન કોલ્સ આવવા લાગ્યા. આખરે વધતી જતી અટકળો પર મૌન તોડતા કંગનાએ શુક્રવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્પષ્ટતા પોસ્ટ શેર કરવી પડી હતી. કંગનાએ લખ્યું, "હું અત્યારે દરરોજ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં શૂટિંગ કરી રહી છું. કોઈએ મારા ફિલ્મના પાત્રના મેકઅપ સાથેનો આ રેન્ડમ ફોટો ક્લિક કરી લીધો અને વાયરલ કરી દીધો. હવે મને સવારથી અસંખ્ય ફોન કોલ્સ આવી રહ્યા છે."
"એક પરિણીત સ્ત્રીના લુકમાં આટલી મોટી વાત શું છે?"
પોતાનો આક્રોશ અને આશ્ચર્ય વ્યક્ત કરતાં કંગનાએ આગળ લખ્યું, "એક પરિણીત સ્ત્રીના દેખાવમાં આટલી મોટી વાત શું છે? કલાકારોએ શૂટિંગ દરમિયાન દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવવાની હોય છે. હું તમને બધાને વચન આપું છું કે હું ક્યારેય પણ ગુપ્ત રીતે કે છૂપી રીતે લગ્ન નહીં કરું." કંગનાના આ નિવેદન બાદ તેના લગ્નની અફવાઓ પર કાયમી બ્રેક લાગી ગઈ છે અને સ્પષ્ટ થઈ ગયું છે કે આ બધો જાદુ માત્ર ફિલ્મી શૂટિંગનો હતો.
આગામી ફિલ્મોનો ધમાકો અને બોક્સ ઓફિસ પર ટક્કર
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'માં જોવા મળવાની છે. આ ફિલ્મ ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલા (26/11) દરમિયાન પોતાના જીવના જોખમે ૪૦૦થી વધુ લોકોના જીવ બચાવનારા બહાદુર હોસ્પિટલ સ્ટાફની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ ૧૨ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે આ જ દિવસે બોક્સ ઓફિસ પર તેની ટક્કર દિલજીત દોસાંઝ અભિનીત અને ઇમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' સાથે થવાની છે, જેમાં વેદાંગ રૈના અને શર્વરી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય કંગના આર. માધવન સાથે એક થ્રિલર ફિલ્મ અને પોતાની સુપરહિટ ફિલ્મ 'ક્વીન ૨' પર પણ કામ કરી રહી છે.

(5:00 PM IST)