TRPની જંગમાં 'વસુધા'નો વટ: એકતા કપૂરના સામ્રાજ્યને પછાડી ઝી ટીવી નંબર-૧
તુલસીના લગ્ન અને અંશ ગુજરાલની એન્ટ્રીના ટ્વિસ્ટ ફેઈલ : અનુપમા પાંચમા ક્રમે પછડાઈ: દર્શકોએ 'વસુધા' અને 'ગંગા માઈ' પર વરસાવ્યો પ્રેમ

મુંબઈ: ટેલિવિઝન દુનિયાના સિંહાસન પર આ અઠવાડિયે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. મહિનાઓ સુધી ટોચ પર રહેલા એકતા કપૂરના શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨' ને પછાડીને ઝી ટીવીના શો 'વસુધા' એ નંબર-૧નું સ્થાન હાંસલ કર્યું છે. શોમાં આવેલા નવા ટ્વિસ્ટને દર્શકોએ માથે ચડાવ્યો છે, જ્યારે 'ક્યુંકી...' માં અંશ ગુજરાલના પુત્ર રિયોની એન્ટ્રી અને તુલસીના લગ્નનો ડ્રામા ચાહકોને ન રુચતા શો સીધો ત્રીજા ક્રમે ધકેલાયો છે.
ઝી ટીવીનો દબદબો માત્ર અહીં જ નથી અટક્યો, 'ગંગા માઈ કી બેટિયાં' બીજા સ્થાને અને 'તુમ સે તુમ તક' ચોથા સ્થાને રહીને ચેનલને મજબૂત કરી છે. બીજી તરફ, વર્ષો સુધી રાજ કરનાર 'અનુપમા' ના આંસુ પણ કામ ન આવ્યા અને તે પાંચમા સ્થાને યથાવત રહી છે. કલર્સ ટીવીના રિયાલિટી શો 'લાફ્ટર શેફ' સીઝન ૩ એ ૧.૫ રેટિંગ સાથે છઠ્ઠું સ્થાન મેળવી અનુપમાને જોરદાર ટક્કર આપી છે, જે સ્ટાર પ્લસ માટે ચિંતાનો વિષય છે.
TRP ચાર્ટમાં થયેલા આ ફેરફારો સાબિત કરે છે કે હવે દર્શકોને જૂના ફોર્મ્યુલા કરતા નવું કન્ટેન્ટ વધુ પસંદ આવી રહ્યું છે. ટોપ ૧૦માં 'યે રિશ્તા...' અને 'નાગિન ૭' જેવા શો માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહ્યા છે. જો એકતા કપૂર અને સ્ટાર પ્લસ પોતાની વ્યૂહરચના નહીં બદલે, તો ઝી ટીવીનું આ શાસન લાંબો સમય ટકી શકે છે.
