<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 12th May 2026

રણવીર સિંહ 'ભગવાન શિવ'ના રોલમાં દેખાશે? અમિશ ત્રિપાઠીએ 'ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા' પર ચાલી રહેલી ચર્ચાઓનો લાવી દીધો અંત!

મેલુહાના હકો હજુ પણ મારી પાસે જ છે: લેખક અમિશ ત્રિપાઠીએ રણવીર સિંહના સમાચારોને ગણાવી અફવા, કરણ જોહર અને ભણસાલી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ ચૂક્યા છે

મુંબઈ, તા. ૧૨: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અત્યારે પોતાની ફિલ્મ 'ધુરંધર'ની સફળતાના રથ પર સવાર છે. 'ધુરંધર' અને તેની સિક્વલ 'ધુરંધર ૨' એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા છે. આ સફળતાની વચ્ચે સોશિયલ મીડિયા પર એવા જોરદાર સમાચાર વહેતા થયા હતા કે રણવીર સિંહ હવે અમિશ ત્રિપાઠીની પ્રખ્યાત નવલકથા 'ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા' પર આધારિત ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવશે. જોકે, હવે આ મામલે ખુદ લેખક અમિશ ત્રિપાઠીએ મૌન તોડ્યું છે.
શું રણવીર બનશે શિવ? લેખકે કરી સ્પષ્ટતા
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં અમિશ ત્રિપાઠીએ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, "મને રણવીર સિંહ પ્રત્યે ખૂબ આદર છે અને હું તેનો મોટો પ્રશંસક છું, પરંતુ 'શિવા ટ્રાયોલોજી'ના ફિલ્મી અધિકારો હજુ પણ મારી પાસે જ સુરક્ષિત છે. મેં હજુ સુધી આ પ્રોજેક્ટ માટે કોઈની સાથે કોઈ કરાર કર્યા નથી." આ નિવેદન સાથે જ રણવીરના ફેન્સમાં જે ઉત્સાહ હતો તેના પર હાલ પૂરતું તો પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
વિવાદોના ડરે અનેક દિગ્ગજોએ પડતો મૂક્યો પ્રોજેક્ટ
'ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા' પર ફિલ્મ બનાવવાની કોશિશ વર્ષ ૨૦૧૨થી ચાલી રહી છે. સૌથી પહેલા કરણ જોહરે આના હકો મેળવ્યા હતા, પરંતુ ધાર્મિક લાગણી દુભાવાની ચિંતાને કારણે તેમણે આ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. ત્યારબાદ સંજય લીલા ભણસાલીએ પણ આ દિશામાં પ્રયાસો કર્યા, પરંતુ વાત આગળ વધી શકી નહીં.
હવે રણવીર ક્યાં દેખાશે?
રણવીર સિંહે સર્જનાત્મક મતભેદોને કારણે 'ડોન ૩' છોડી દીધી હોવાના સમાચાર છે. જોકે, તેના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે તે ટૂંક સમયમાં ફિલ્મ 'પ્રલય' માં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન 'સ્કેમ ૧૯૯૨' ફેમ હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરવા જઈ રહ્યા છે. રણવીરના આ નવા અવતારની હવે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

(3:29 PM IST)