બોલિવૂડની ‘પિતૃસત્તા’ પર કૃતિ સેનનનો જોરદાર પ્રહાર: “મહેનત સરખી છતાં ફીમાં ભેદભાવ કેમ?” – એક્ટ્રેસના સણસણતા સવાલોથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ!
ફિલ્મનું બજેટ ઘટતા જ સૌથી પહેલા અભિનેત્રીઓના પગાર પર ‘કાતર’ ફેરવાય છે; પુરુષ સ્ટાર્સના મોંઘા રસોઈયા અને લક્ઝરી ખર્ચ સામે કૃતિએ દર્શાવી લાલ આંખ

મુંબઈ : બોલિવૂડમાં લાંબા સમયથી ચાલી રહેલી જાતિગત વેતન તફાવત (Gender Pay Gap)ની ચર્ચામાં હવે અભિનેત્રી અને નિર્માતા કૃતિ સેનને ઝંપલાવ્યું છે. કૃતિએ ફિલ્મ ઉદ્યોગના કડવા સત્યનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે, આજે પણ બોલિવૂડમાં પુરુષોનું જ વર્ચસ્વ છે અને મહિલા કલાકારો સાથે ફીના મામલે અન્યાય થઈ રહ્યો છે. તેના આ નિવેદને ગ્લેમર જગતમાં એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
બજેટ ઓછું પડે તો એક્ટ્રેસની ફીમાં કાપ
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં કૃતિએ પોતાની પીડા ઠાલવતા કહ્યું કે, જ્યારે પણ કોઈ ફિલ્મનું બજેટ અપેક્ષા કરતા વધી જાય છે અથવા તેને નિયંત્રિત કરવાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા અભિનેત્રીઓને તેમની ફી ઘટાડવાનું દબાણ કરવામાં આવે છે. બીજી તરફ, ફિલ્મના મુખ્ય પુરુષ સ્ટાર્સની તોતિંગ ફી કે તેમની માંગણીઓ પર ભાગ્યે જ કોઈ સવાલ ઉઠાવવામાં આવે છે. નિર્માતાઓ આજે પણ મહિલા-પ્રધાન ફિલ્મોમાં પૈસા રોકતા ખચકાય છે, કારણ કે તેમને લાગે છે કે આવી ફિલ્મો પુરુષ-પ્રધાન ફિલ્મો જેવી કમાણી નહીં કરી શકે.
સ્ટાર સિસ્ટમ અને બિનજરૂરી ખર્ચ પર કટાક્ષ
કૃતિએ ફિલ્મના નિર્માણ ખર્ચમાં વધારો કરતા બિનજરૂરી ખર્ચાઓ પર પણ નિશાન સાધ્યું છે. તેણે મજાકમાં ટિપ્પણી કરી કે, એક સ્ટાર માટે બે-બે રસોઈયા રાખવા તે અતિશય છે. કૃતિના મતે, પૈસા પાત્રની જરૂરિયાત કે ફિલ્મની વાર્તા પાછળ ખર્ચવા જોઈએ, નહીં કે સ્ટાર્સની લક્ઝરી પાછળ. હવે પોતે નિર્માતા હોવાથી તે આ નાણાકીય દબાણને વધુ સારી રીતે સમજે છે અને તે એવી ફિલ્મો બનાવવા માંગે છે જ્યાં સ્ટાર સિસ્ટમ કરતા પ્રતિભા અને વાર્તાને વધુ મહત્વ મળે.
સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો જંગ
કૃતિ સેનનના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ઘણા ચાહકો કૃતિની હિંમતને બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મહિલા કલાકારોને પણ સમાન દરજ્જો મળવો જોઈએ. જ્યારે કેટલાક યુઝર્સનું માનવું છે કે ફિલ્મોની કમાણી જે-તે કલાકારના ફેન બેઝ અને બોક્સ ઓફિસ વેલ્યુ પર નિર્ભર કરે છે. જોકે, કૃતિના આ નિવેદને ચોક્કસપણે બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસને વિચારતા કરી દીધા છે.
હાલમાં તો ‘થોભો અને જુઓ’ની સ્થિતિ છે કે કૃતિના આ પ્રશ્નો બાદ શું બોલિવૂડના દિગ્ગજ પુરુષ કલાકારો પોતાની ફીમાં ફેરફાર કરીને નવી પરંપરા શરૂ કરશે કે કેમ!
