<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 25th April 2026

એરપોર્ટ પર આલિયા ભટ્ટ સાથે થઈ હતી ગેરવર્તણૂક: ભીડે ઘેરી લેતા એક્ટ્રેસ ફફડી ઉઠી, બોડીગાર્ડે વર્ષો બાદ ખોલ્યા રહસ્યો

ઈમિગ્રેશન કાઉન્ટર પર ઓફિસર્સ અને સ્ટાફે ફોટો પડાવવા કરી હતી ખેંચતાણ; ખભા અને ગરદન પર હાથ મૂકવાનો પ્રયાસ થતા આલિયા અસુરક્ષિત અનુભવી રહી હતી

મુંબઈ: બોલીવૂડની ક્યુટ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે અને તેની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હોય છે, પરંતુ કરિયરના શરૂઆતના દિવસોમાં તેણે પણ ભયાનક અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. તાજેતરમાં આલિયાના ભૂતપૂર્વ બોડીગાર્ડ ઝીશાન કુરેશીએ વર્ષ ૨૦૧૪ની એક એવી ઘટનાનો ખુલાસો કર્યો છે, જે સાંભળીને કોઈ પણ ચોંકી જશે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ કેવી રીતે એકલી પડેલી એક્ટ્રેસને ભીડે અસુરક્ષિત કરી દીધી હતી તેની આપવીતી ઝીશાને વર્ણવી છે.

ઘટના મુજબ, આલિયા ભટ્ટ જ્યારે તેની ડેબ્યૂ ફિલ્મ બાદ ટ્રાવેલ કરી રહી હતી, ત્યારે એરપોર્ટ પર ઈમિગ્રેશન પૂરું કર્યા પછી તે થોડી ક્ષણો માટે એકલી પડી ગઈ હતી. ઝીશાન કુરેશીએ જણાવ્યું કે, આ તકનો લાભ લઈને ત્યાં હાજર રહેલા કેટલાક સરકારી ઓફિસર્સ અને એરપોર્ટ સ્ટાફે તેને સેલ્ફી લેવા માટે ચારે બાજુથી ઘેરી લીધી હતી. ભીડમાં કેટલાક લોકો એટલા ઉત્સાહિત થઈ ગયા હતા કે તેઓ આલિયાના ખભા અને ગરદન પર હાથ રાખવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ અણછાજતા વર્તનને કારણે આલિયા ગભરાઈ ગઈ હતી અને તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. ઝીશાને સમયસૂચકતા વાપરી તુરંત જ ત્યાં પહોંચી લોકોને ખસેડ્યા હતા અને આલિયાને સુરક્ષિત બહાર કાઢી હતી.

આલિયાનું શાનદાર કમબેક:

આ ભયાનક અનુભવો પાછળ છોડીને આલિયા આજે બોલીવૂડની 'ક્વીન' બની ગઈ છે. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં યશરાજ ફિલ્મ્સની 'સ્પાય યુનિવર્સ'ની મોસ્ટ અવેટેડ ફિલ્મમાં જોવા મળશે. આ એક્શન પેક્ડ ફિલ્મ ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ મોટા પડદે રિલીઝ થવાની છે, જેમાં તેની સાથે શરવરી વાઘ, અનિલ કપૂર અને બોબી દેઓલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

આગામી ફિલ્મોનું લિસ્ટ:

માત્ર સ્પાય યુનિવર્સ જ નહીં, આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની મહત્વાકાંક્ષી ફિલ્મ 'લવ એન્ડ વોર'માં પણ ધૂમ મચાવવા તૈયાર છે. આ ફિલ્મમાં તે તેના રિયલ લાઈફ પાર્ટનર રણબીર કપૂર અને વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એરપોર્ટની એ જૂની ઘટના યાદ કરીને બોડીગાર્ડે જણાવ્યું કે, સેલિબ્રિટીઝ માટે ભીડ ઘણીવાર વરદાનને બદલે અભિશાપ બની જતી હોય છે, અને આલિયાએ પણ તે દિવસોમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો.

(10:42 PM IST)