ભારતની 'ધુરંધર' સામે પાકિસ્તાનનો વળતો પ્રહાર: કરાચીના બદનામ લ્યારીની છબી સુધારવા 'મેરા લ્યારી' ફિલ્મ મેદાનમાં, આદિત્ય ધરની ફિલ્મનો વિવાદ વકર્યો
ગેંગ-વોરના હોટસ્પોટને બદલે ફૂટબોલ અને નારી શક્તિની ગાથા બતાવશે પાડોશી દેશ; 'ધુરંધર' પરના પ્રતિબંધો હટ્યા પણ વિવાદ યથાવત, ૮ મેના રોજ રિલીઝ થશે પાકિસ્તાની સ્પોર્ટ્સ ડ્રામા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સિનેમાના પડદે પણ 'કોલ્ડ વોર' શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય નિર્દેશક આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' અને તેની સિક્વલમાં કરાચીના લ્યારી વિસ્તારને ગેંગ-વોર અને હિંસાના કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવતા પાકિસ્તાન સરકાર અને ફિલ્મ ઉદ્યોગ લાલઘૂમ થયો હતો. આ ફિલ્મો સામે પાકિસ્તાનમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. હવે તેની 'કાઉન્ટર સ્ટોરી' એટલે કે વળતો જવાબ આપવા માટે પાકિસ્તાન 'મેરા લ્યારી' નામની ફિલ્મ સાથે તૈયાર છે.
આગામી પાકિસ્તાની ફિલ્મ 'મેરા લ્યારી' એક પ્રેરણાદાયી સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે લ્યારી વર્ષોથી કેવી રીતે બદલાઈ ગયું છે અને હવે તે હિંસા નહીં પણ ફૂટબોલ માટે ઓળખાય છે. ફિલ્મની વાર્તા એક મહિલા કોચ અને ફૂટબોલ રમવા માગતી યુવતીઓ પર કેન્દ્રિત છે, જેઓ સામાજિક બંધનો અને પારિવારિક વિરોધને તોડીને પોતાના સપના સાકાર કરે છે. આ ફિલ્મ દ્વારા પાકિસ્તાન દુનિયાને લ્યારીની "વાસ્તવિકતા" બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સિંધના મંત્રીએ ગણાવ્યો ભારતને જવાબ:
સિંધના માહિતી મંત્રી શર્જીલ મેમણે 'મેરા લ્યારી' વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ એ પશ્ચિમી કે ભારતીય ફિલ્મોનો જવાબ છે જેમાં પાકિસ્તાનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. ડોનના અહેવાલ મુજબ, તેમનો આ ઈશારો સીધો આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' તરફ હતો. ફિલ્મમાં બતાવવામાં આવશે કે લ્યારીની યુવતીઓ કેવી રીતે મેદાનમાં ઉતરીને પિતા અને સમાજના પ્રતિકાર છતાં જીત હાંસલ કરે છે.
દાનનીર મોબીનનું ડેબ્યુ અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ:
'મેરા લ્યારી'માં આયેશા ઓમર અને સોશિયલ મીડિયા સ્ટાર દાનનીર મોબીન (Pawri Girl) મુખ્ય ભૂમિકામાં છે. અબુ અલીહા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. પાકિસ્તાની ફેન્સ આ ફિલ્મને લ્યારીનું સાચું પ્રતિનિધિત્વ ગણાવી રહ્યા છે. ૮ મેના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ખરડાયેલી છબીને કેટલી સુધારી શકે છે અને ભારતીય પ્રેક્ષકો તેના પર શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
