સલમાન ખાનની 'માતૃભૂમિ' પર સેન્સરની તલવાર: શું થિયેટરોને બદલે હવે સીધી તમારા મોબાઈલ સ્ક્રીન પર આવશે ભાઈજાન?
ગલવાન વિવાદ અને સંરક્ષણ મંત્રાલયની કડક નજર વચ્ચે સલમાન ખાનની મેગા-બજેટ ફિલ્મ 'માતૃભૂમિ' અટવાઈ : એપ્રિલની રિલીઝ ટળી અને OTT રિલીઝની અફવાઓ પર નિર્માતાઓએ આખરે મૌન તોડ્યું

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'માતૃભૂમિ' અત્યારે મુશ્કેલીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. ચીન અને ગલવાન ખીણના સંવેદનશીલ સંદર્ભોને કારણે સંરક્ષણ મંત્રાલયે વાંધો ઉઠાવતા ફિલ્મમાં મોટા પાયે ફેરફાર કરવાની ફરજ પડી છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મને ફરીથી એડિટ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સેન્સર બોર્ડ (CBFC) કે સેનાના અધિકારીઓએ આ નવું વર્ઝન જોયું નથી. આ અનિશ્ચિતતાને કારણે ચાહકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું સલમાન ખાન હવે થિયેટરોને પડતા મૂકીને સીધી OTT પર ફિલ્મ રિલીઝ કરશે? જોકે, લેખકો માટે અત્યારે સૌથી મોટો પડકાર એ છે કે જો યુદ્ધના મુખ્ય સંદર્ભો કાઢી નાખવામાં આવે, તો ફિલ્મનો મૂળ સંઘર્ષ કેવી રીતે ટકી રહેશે.
ફિલ્મની રિલીઝને લઈને વહેતી થયેલી OTT રિલીઝની અફવાઓ પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. નિર્માતાઓની નજીકના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે 'માતૃભૂમિ' એ સલમાન ખાનની ભવ્ય સિનેમેટિક ફિલ્મ છે અને તેને મોટા પડદા માટે જ બનાવવામાં આવી છે. નિર્માતાઓ અને દિગ્દર્શક અપૂર્વ લાખિયા કોઈપણ સંજોગોમાં આ ફિલ્મને થિયેટરમાં જ લાવવા માટે મક્કમ છે. તેઓ માને છે કે સલમાનનો ક્રેઝ માત્ર થિયેટરના શોરબકોરમાં જ શોભે છે. આ સાથે એ ભ્રમ પણ તોડવામાં આવ્યો છે કે OTT પર સેન્સરશીપ નથી હોતી; હકીકતમાં, ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતી ફિલ્મોએ પણ સરકારના કડક નિયમો અને પ્રમાણપત્ર પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે.
મૂળ પ્લાન મુજબ આ ફિલ્મ એપ્રિલ 2026 માં ધમાકેદાર રિલીઝ થવાની હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા હવે આ તારીખ ઇતિહાસ બની ગઈ છે. મે 2026 માં રિલીઝ થવાની શક્યતાઓ પણ હવે ધૂંધળી દેખાઈ રહી છે કારણ કે ફિલ્મને હજુ સુધી ક્લિયરન્સ મળ્યું નથી. ફિલ્મ હવે 'વોર ડ્રામા' ને બદલે 'હ્યુમન ડ્રામા' એટલે કે સંબંધોની વાર્તા તરફ વળી રહી હોવાનું મનાય છે. સલમાન ખાનના ફેન્સ હવે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તમામ વિવાદોનો અંત આવે અને 'ભાઈજાન' ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે નવી તારીખ જાહેર કરે.
