<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 15th April 2026

રામાયણમાં રણબીર કપૂર અને યશ પહેલા ભાગમાં સામસામે નહીં આવે! દિગ્દર્શક નીતેશ તિવારીનો મોટો ખુલાસો, મૂળ મહાકાવ્યની ભાવના જાળવવા લીધો નિર્ણય

ભગવાન રામ અને રાવણ વચ્ચે સીધો મુકાબલો રામાયણ: પાર્ટ 2માં જોવા મળશે, 2026 દિવાળીએ પહેલો ભાગ અને 2027 દિવાળીએ બીજો ભાગ રિલીઝ થશે, IMAX માટે શૂટ થઈ રહેલી ફિલ્મને વૈશ્વિક ઇવેન્ટ તરીકે રજૂ કરાશે

મુંબઈ તા.૧૫:નીતેશ તિવારી દિગ્દર્શિત મહત્વાકાંક્ષી ફિલ્મ 'રામાયણ'ને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. ફિલ્મના પહેલા ભાગમાં ભગવાન રામનું પાત્ર ભજવતા રણબીર કપૂર અને રાવણ બનેલા યશ એકપણ સીનમાં સામસામે નહીં આવે. બંને સુપરસ્ટાર્સનો સીધો આમને-સામને મુકાબલો ફિલ્મના બીજા ભાગમાં બતાવવામાં આવશે.

 

નિર્માતાઓના મતે આ નિર્ણય મૂળ રામાયણની ભાવનાને માન આપવા અને કથાને પ્રમાણિક રીતે રજૂ કરવા માટે લેવામાં આવ્યો છે. દિગ્દર્શક નીતેશ તિવારી સ્ટાર્સની જબરદસ્તીની જુગલબંધીને બદલે વાર્તાના મૂળ તત્વને પ્રાથમિકતા આપી રહ્યા છે. રામ અને રાવણની અલગ-અલગ યાત્રા બતાવીને તેમના પાત્રોને ઊંડાણપૂર્વક વિકસાવવામાં આવશે, જેથી બીજા ભાગમાં તેમનો અંતિમ મુકાબલો વધુ પ્રભાવશાળી બને. 

 

રણબીર કપૂરે પહેલા ભાગ માટેનું શૂટિંગ પૂરું કરી દીધું છે, જ્યારે યશે ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન બાદ મે મહિનામાં પોતાના ભાગનું શૂટિંગ શરૂ કર્યું હતું. યશ ફિલ્મમાં સીતા બનેલી સાઈ પલ્લવી અને હનુમાનના પાત્રમાં સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે. રણબીર હાલ સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'માં વ્યસ્ત હોવાથી અને તે ફિલ્મ માટેના લુકને કારણે પણ બંને કલાકારોને એકસાથે શૂટ કરવાનું શક્ય બન્યું નથી.

 

રામાયણને બે ભાગમાં બનાવવામાં આવી રહી છે. પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે. ફિલ્મને IMAX માટે શૂટ કરવામાં આવી રહી છે અને તેને વૈશ્વિક સ્તરની સિનેમેટિક ઇવેન્ટ તરીકે રજૂ કરાશે. ફિલ્મમાં 8 વખત ઓસ્કર વિજેતા સ્ટુડિયો DNEGના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને હાન્સ ઝિમર તથા એ.આર. રહેમાનનું સંગીત છે.

 

તાજેતરમાં સિનેમાકોન 2026માં લાસ વેગાસ ખાતે રામાયણનું ભવ્ય પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. રણબીર કપૂર રામ તરીકે અને યશ રાવણ તરીકેના પોસ્ટર્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવી હતી. ફિલ્મને હોલિવૂડની ધ ઓડિસી, એવેન્જર્સ: ડૂમ્સડે અને ડ્યુન: પાર્ટ થ્રી જેવી મોટી ફિલ્મોની સાથે રજૂ કરવામાં આવી હતી. નિર્માતા નમિત મલ્હોત્રા અને યશે સિનેમાકોનમાં પ્રાઇવેટ શોકેસ પણ યોજ્યો હતો.

 

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન, રવિ દુબે લક્ષ્મણ, અરુણ ગોવિલ રાજા દશરથ અને લારા દત્તા કૈકેયીની ભૂમિકામાં જોવા મળશે.

(4:12 PM IST)