રણવીર સિંહ અને આદિત્ય ધર લાવશે મૌર્ય સામ્રાજ્યનો ઈતિહાસ? સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના રોલમાં જોવા મળી શકે છે સુપરસ્ટાર
'ઉરી' ફેમ ડિરેક્ટર આદિત્ય ધર પ્રાચીન ભારતના સુવર્ણકાળ પર ભવ્ય ફિલ્મ બનાવવાની તૈયારીમાં, રણવીર સિંહ સાથે ચાલી રહી છે વાતચીત

મુંબઈ:બોલિવૂડમાં હાલમાં પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી સુપરહિટ ફિલ્મ આપનાર દિગ્દર્શક આદિત્ય ધર હવે ભારતનો ભવ્ય ઈતિહાસ પડદા પર ઉતારવા જઈ રહ્યા છે. ચર્ચા છે કે આદિત્ય ધર ભારતની મૌર્યકાલીન સંસ્કૃતિ અને મહાન શાસક સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના જીવન પર આધારિત એક ભવ્ય ફિલ્મનું આયોજન કરી રહ્યા છે અને આ ભૂમિકા માટે તેમની પહેલી પસંદ રણવીર સિંહ છે.
મળતી વિગતો મુજબ, આદિત્ય ધર લાંબા સમયથી પ્રાચીન ભારતના રાજાઓ અને વિશેષ કરીને મૌર્ય યુગ પર સંશોધન કરી રહ્યા છે. રણવીર સિંહ તેની એનર્જી અને પાત્રમાં ઓતપ્રોત થઈ જવા માટે જાણીતો છે, ત્યારે મેકર્સને લાગે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના શક્તિશાળી વ્યક્તિત્વને ન્યાય આપવા માટે રણવીર શ્રેષ્ઠ પસંદગી સાબિત થઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બંને વચ્ચે આ પ્રોજેક્ટને લઈને ગંભીર ચર્ચાઓ ચાલી રહી હોવાનું મનાય છે.
જો આ પ્રોજેક્ટ સાકાર થશે, તો તે ભારતીય સિનેમાની સૌથી મોટી ઐતિહાસિક ફિલ્મોમાંની એક બની શકે છે. રણવીર સિંહ આ પહેલા બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં ઐતિહાસિક પાત્રો ભજવીને પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો છે. બીજી તરફ, આદિત્ય ધર પોતાની ફિલ્મોમાં રાષ્ટ્રવાદ અને ટેકનિકલ ચોકસાઈ માટે જાણીતા છે. મૌર્ય યુગના વૈભવ અને ચાણક્યની નિતિઓ સાથેની આ ફિલ્મ જો સાચે જ બનશે, તો પ્રેક્ષકો માટે તે કોઈ વિઝ્યુઅલ ટ્રીટથી ઓછી નહીં હોય.
હાલમાં રણવીર સિંહ અને આદિત્ય ધર અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, પરંતુ મૌર્ય સામ્રાજ્ય પરની આ ફિલ્મની વાતે અત્યારથી જ સોશિયલ મીડિયા અને સિનેમા જગતમાં ભારે ઉત્તેજના જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે રણવીર સિંહ ક્યારે વિધિવત રીતે આ 'સમ્રાટ'ના અવતારમાં જોવા મળે છે.
