૧૫ વર્ષમાં પહેલી વાર હોળી પર કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ નથી
બોલિવૂડના પ્રોડ્યુસર્સે આટલાં વર્ષોમાં હંમેશા હોળીના તહેવારોનો લાભ ઉઠાવ્યો છે અને તેમની ફિલ્મ રિલીઝ કરીને સારી કમાણી પણ કરી છે : હાલ ટી૨૦ વર્લ્ડ કપ ચાલી રહ્યો હોવાથી હોળી પર કોઈ રિલીઝ ન હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે

મુંબઇ તા.૨: છેલ્લાં ૧૫ વર્ષમાં પહેલી વખત હોળી પર કોઈ જ નવી ફિલ્મ રિલીઝ થશે નહીં. ૨૦૨૬ની હોળી પર કોઈ નવી હિન્દી ફિલ્મ જોવા મળશે નહીં. બોલિવૂડના પ્રોડ્યુસર્સે આટલાં વર્ષોમાં હંમેશા હોળીના તહેવારોનો લાભ ઉઠાવ્યો છે અને તેમની ફિલ્મ રિલીઝ કરીને સારી કમાણી પણ કરી છે. ૨૦૨૧માં પેન્ડેમિકનો સમય હતો, તેમ છતાં પરિણીતિ ચોપરાની સાઇના નેહવાલની બાયોપિક રિલીઝ થઈ હતી.
જો છેલ્લા ૨૬ વર્ષમાં હોળી પર રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરવામાં આવે તો, ૨૦૦૦થી હોળી પર ‘ચોરી ચોરી ચુપકે ચુપકે', ‘માલામાલ વીકલી', ‘રેસ', ‘બદ્રીનાથ કી દુલ્હનિયાં', ‘કેસરી', ‘તું જુઠી મેં મક્કાર' જેવી ફિલ્મો હોળી પર રિલીઝ થઈ અને સફળ પણ થઈ હતી. આ વર્ષોમાં માત્ર ૨૦૦૨, ૨૦૦૩ અને ૨૦૧૧માં જ હોળી પર કોઈ ફિલ્મ રિલીઝ નહોતી થઈ, ૨૦૦૩ અને ૨૦૧૧માં તો ક્રિકેટ વર્લ્ડ કપના કારણે ફિલ્મ રિલીઝ નહોતી થઈ.
હવે ૨૦૨૬માં ફરી ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. હાલ ટી૨૦ વર્લ્ડ કપ ચાલી રહ્યો હોવાથી હોળી પર કોઈ રિલીઝ ન હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. યશરાજની ફિલ્મ મર્દાનીના ડિરેક્ટર અધિરાજ મીનાવાલાએ કહ્યું હતું કે ક્રિકેટના માહોલમાં ક્લેશ ન કરવા માટે જ તેમની ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીના બદલે ૩૦ જાન્યુઆરીએ રિલીઝ કરી હતી.
‘પતિ પત્ની ઔર વો દો' અને ‘ગબરુ' પહેલાં ૪ માર્ચ અને ૧૩ માર્ચે રિલીઝ થવાની હતી. આ સમયે ક્રિકેટ સિવાય રમઝાન મહિનાને પણ કારણ માનવામાં આવે છે સાથે જ એક તરફ બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થઈ રહી છે. તેથી વિવિધ કારણોસર થિએટરમાં દર્શકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. સાથે જ ૧૯ માર્ચે બે મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ‘ટોક્સિક' અને ‘ધુરંધર ધ રિવેન્જ'ની ઇદ પર ધમાકેદાર રિલીઝ થઈ રહી છે.
ફિલ્મ એક્ઝિબિટર્સ પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમની પાસે હાલ કોઈ સારી ચાલી રહેલી ફિલ્મ નથી અને નવી ફિલ્મ રિલીઝ થતી નથી, તેથી તેમના માટે થિએટર્સના ખર્ચ ચલાવવા પણ મુશ્કેલ છે. તેથી તેમણે ખર્ચ ઘટાડવા શો પણ ઘટાડી દીધાં છે. સૌથી મોટી તકલીફ તો છેલ્લાં બે અઠવાડિયામાં રિલીઝ થયેલી ‘અસ્સી' અને ‘દો દિવાનેં સહેર મેં' ખરાબ રહી છે અને દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. સાથે જ હમણા કોઈ પ્રાદેશિક ફિલ્મો પણ સારી નથી ચાલી રહી કે કોઈ મોટી હોલિવૂડ રિલીઝ પણ નથી. તેથી એક્ઝિબિટર્સના મનમાં એક જ ડર છે, આ હવે ઇદ આંધી તોફાન જેવી રિલીઝ લઇને આવશે કે નહીં.
એક્ઝિબિટર અને ડિસ્ટ્રીબ્યુટર અક્ષય રાઠી જણાવે છે, ‘‘હાલ અમે ધુરંધર અને ટોક્સિકની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાં સુધી જેટલી ફિલ્મ આવે એ અમને અઠવાડિયે અઠવાડિયે આગળ વધવામાં થોડી મદદ કરી દે, પરંતુ કમનસીબે એવું થયું નહીં. તેથી અમારી બધી જ આશાઓ હવે ઇદની રિલીઝ પર નિર્ભર છે.'' એક્ઝિબિટર ડિસ્ટ્રીબ્યુટર રાજ બંસલે જણાવ્યું, ‘‘હાલ આપણે નીઃરસ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. ૨૦૨૬માં અત્યાર સુધીમાં બે જ ફિલ્મ ચાલી છે, બોર્ડર ૨ અને મર્દાની ૩. પણ છેલ્લા બે ત્રણ અઠવાડિયા સારા ગયા નથી. .''
૨૦૦૦થી અત્યાર સુધીની હોળી પર રિલીઝ થયેલી ફિલ્મોની યાદીઃ
૨૦૨૫ - ધ ડિપ્લોમેટ
૨૦૨૪ - મડગાંવ એક્સપ્રેસ, સ્વાતંય વીર સાવરકર
૨૦૨૩ - તુ ઝૂઠી મેં મક્કાર, ૨૦૨૨ - બચ્ચન પાંડે
૨૦૨૧ - સાઇના, ૨૦૨૦ - બાગી ૩, કામયાબ
૨૦૧૯ - કેસરિ, મર્દ કો દર્દ નહીં હોતા
૨૦૧૮ - પરી, વીરે દી વેડિંગ
૨૦૧૭ - બદ્રીનાથ કી દુલ્હનિયા
૨૦૧૬ - રોકી હેન્ડસમ
૨૦૧૫ - ડર્ટી પોલિટિક્સ, હે બ્રો, બદમાશિયાં ૨૦૧૪ - બેવકૂફિયાં, ૨૦૧૩ - આત્મા, રંગરેઝ
૨૦૧૨ - કહાની, ચાર દિન કી ચાંદની
૨૦૧૦ - કાર્તિક કોલિગ કાર્તિક, તીન પત્તી
૨૦૦૯ - ઢૂંઢતે રહ જાઓગે, કર્મા ઔર હોલી
૨૦૦૮ - રેસ, ૨૦૦૭ - નેહલે પે દેહલા, નિઃશબ્દ
૨૦૦૬ - મલામાલ વીકલી, જિગ્યાસા
૨૦૦૫ - ઝહેર, ટેંગો ચાર્લી
૨૦૦૪ - ઇન્સાફઃ ધ જસ્ટિસ
૨૦૦૧ - ચોરી ચોરી ચૂપકે ચૂપકે
૨૦૦૦ - સુલતાન.
