કરણ જોહરનો બોલિવૂડ સ્ટાર્સ પર 'બોમ્બ': કહ્યું- "અભિનેતાઓ અસુરક્ષિત છે અને આ બિઝનેસમાં કોઈ કોઈનું સગું નથી, અહીં વફાદારી જેવું કંઈ નથી"
કલાકારોના અહંકાર અને ઇનસિક્યોરિટીને સંભાળવી એ માથાના દુખાવા સમાન: જાહ્નવી કપૂરે કરણની એજન્સી છોડ્યાના મહિનાઓ બાદ 'કેજો'એ ઠાલવ્યો પોતાનો બળાપો

મુંબઈ: બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર કરણ જોહર હંમેશા પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કરણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોની માનસિકતા અને તેમના વ્યવહાર પર આકરા પ્રહારો કર્યા છે. કરણ જોહર, જેઓ 'ધર્મા કોર્નરસ્ટોન આર્ટિસ્ટ એજન્સી' (DCAA) પણ ચલાવે છે, તેમણે કલાકારોને 'અસુરક્ષિત' ગણાવ્યા છે અને કહ્યું છે કે ગ્લેમર વર્લ્ડમાં વફાદારી શોધવી મુશ્કેલ છે.
"વો કિસી કે નહીં હૈં" – કરણની કડવી વાસ્તવિકતા
કરણે ટેલેન્ટ મેનેજમેન્ટના બિઝનેસ વિશે વાત કરતા કહ્યું કે, "આ કામમાં કોઈ કૃતજ્ઞતા નથી. દર બે વર્ષે કલાકારો એક એજન્સી છોડીને બીજી એજન્સીમાં દોડતા રહે છે કારણ કે તેઓ એટલા અસુરક્ષિત છે કે તેમને લાગે છે કે તેમનો સમય પૂરો થઈ રહ્યો છે. આ બિઝનેસમાં કોઈ ખરેખર વફાદાર નથી. તમે બે વર્ષ કોઈ પાછળ મહેનત કરો અને તે અચાનક બીજે ક્યાંક ચાલ્યો જાય છે. કલાકારો વિશે હું કહી શકું કે - વો કિસી કે નહીં હૈં (તેઓ કોઈના નથી)."
અહંકાર અને અસુરક્ષાનું સંતુલન
કેજોએ વધુમાં ઉમેર્યું હતું કે, કલાકારોનું સંચાલન કરવું એટલે કે લોકોના અહંકાર અને તેમની અસલામતીને સંભાળવી, જે અત્યંત મુશ્કેલ કાર્ય છે. તેમણે કહ્યું કે, "૩૧ વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં રહ્યા પછી હું હવે સફળતા અને નિષ્ફળતાથી ઉપર ઉઠી ગયો છું. જો હું મારી ખુશી કે દુઃખને ફિલ્મોની હાર-જીત સાથે જોડી દઈશ, તો મારે આઈસીયુ (ICU) માં દાખલ થવું પડશે."
જાહ્નવી કપૂર તરફ હતો ઈશારો?
કરણની આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે થોડા મહિના પહેલા જ જાહ્નવી કપૂરે કરણની એજન્સી DCAA છોડીને અન્ય એજન્સી સાથે હાથ મિલાવ્યા છે. જોકે કરણે કોઈનું નામ લીધું નથી, પરંતુ મનોજ જગતમાં આ નિવેદનને જાહ્નવી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. હાલમાં કરણની એજન્સી સારા અલી ખાન, રોહિત સરાફ અને શનાયા કપૂર જેવા સ્ટાર્સનું સંચાલન કરી રહી છે.
કરણના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ફરી એકવાર બોલિવૂડના આંતરિક સંબંધો અને કલાકારોના વર્તન વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
