મનોજ બાજપેયીની ફિલ્મ 'ઘૂસખોર પંડિત' પર ભડક્યા સંતો: અયોધ્યામાં પ્રવેશવા પર જૂતાથી મારવાની આપી ધમકી
ફિલ્મના ટાઈટલ પર સનાતન ધર્મ અને બ્રાહ્મણ સમુદાયના અપમાનનો આરોપ; નેટફ્લિક્સ પર બહિષ્કારના વાદળો ઘેરાયા

અયોધ્યા: તા.૪: બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી તેમની આગામી નેટફ્લિક્સ ફિલ્મ 'ઘૂસખોર પંડિત' ના કારણે ગંભીર વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટીઝર અને તેના ટાઈટલને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ખાસ કરીને અયોધ્યાના સંત સમાજમાં આ ફિલ્મને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમણે મનોજ બાજપેયી અને ફિલ્મના નિર્માતાઓ સામે લાલ આંખ કરી છે.
સંતોનો આક્રોશ અને ગંભીર ચેતવણી
અયોધ્યાના હનુમાનગઢીના સંતોએ આ ફિલ્મના નામ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હનુમાનગઢીના સંત સૂરજ તિવારીએ અત્યંત આકરા શબ્દોમાં કહ્યું કે, "સહિષ્ણુતાના બહાને વારંવાર સનાતન ધર્મ અને બ્રાહ્મણ સમુદાયને જ કેમ નિશાન બનાવવામાં આવે છે? જો તેમનામાં હિંમત હોય તો અન્ય ધર્મો પર આવી ફિલ્મ બનાવી બતાવે." તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે જો મનોજ બાજપેયી અયોધ્યામાં જોવા મળશે, તો તેમને જૂતાથી મારવામાં આવશે.
બ્રાહ્મણ સમુદાયને બદનામ કરવાનું ષડયંત્ર?
સંત ડૉ. દેવેશાચાર્ય જી મહારાજે ફિલ્મના ટાઈટલને જાતિવાદી ગણાવતા કહ્યું કે, મનોજ બાજપેયી પોતે બ્રાહ્મણ હોવા છતાં આવી ભૂમિકા કેવી રીતે સ્વીકારી શકે? સંતોનું માનવું છે કે આ એક વૈશ્વિક ષડયંત્રનો ભાગ છે જેમાં હિન્દુ સમુદાયના પાયા સમાન વર્ગોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંત સીતારામ દાસે પણ આ ફિલ્મને સમાજમાં દુશ્મનાવટ ફેલાવનારી ગણાવી છે.
સોશિયલ મીડિયા પર 'બોયકોટ'ની માંગ
ફિલ્મનું ટાઈટલ જાહેર થતાની સાથે જ ટ્વિટર (X) અને અન્ય પ્લેટફોર્મ્સ પર યૂઝર્સ તેની ટીકા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે 'પંડિત' શબ્દ સાથે 'ઘૂસખોર' (લાંચિયો/ભ્રષ્ટાચારી) જોડવું એ આખા સમુદાયનું અપમાન છે. નેટફ્લિક્સ પર પણ આ પહેલા ઘણી વખત હિન્દુ ધર્મની ખોટી છબી રજૂ કરવાના આરોપો લાગી ચૂક્યા છે, જે આ વિવાદને વધુ હવા આપી રહ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે વિરોધ વધતા શું મેકર્સ આ ફિલ્મનું નામ બદલે છે કે પછી વિવાદ વધુ વકરશે.
