સરહદ પર તણાવ, પણ દિલમાં 'તેરે બિન': પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો બેન : છતાં ભારતમાં પાકિસ્તાની શોએ તોડ્યા રેકોર્ડ
બોલિવૂડની 'બોર્ડર 2' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ વચ્ચે યુટ્યુબ પર 4 અબજ વ્યૂઝ સાથે 'તેરે બિન'નો ભારતમાં જાદુ : યુમાના ઝૈદી અને વહજ અલીની જોડીએ ભારતીય યુવાનોને કર્યા ઘેલા

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે રાજકીય અને સરહદી વિવાદો ચરમસીમાએ હોય, પરંતુ કલા અને મનોરંજનના મામલે સરહદો ઓગળતી દેખાઈ રહી છે. એક તરફ 'ગદર 2' અને તાજેતરની 'બોર્ડર 2' જેવી દેશભક્તિથી લથપથ ફિલ્મો પર પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાની ડ્રામા 'તેરે બિન' ભારતમાં સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ શોએ અત્યાર સુધીમાં તમામ ક્લિપ્સ અને ગીતો મળીને 3.91 બિલિયન એટલે કે આશરે 4 અબજ જેટલા વ્યૂઝ મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે.
2022 માં રિલીઝ થયેલો આ રોમેન્ટિક ડ્રામા નૂરન મખદૂમ દ્વારા લખાયેલો છે અને તેમાં યુમાના ઝૈદી તથા વહજ અલીની જોડી જોવા મળે છે. વાર્તા એક મધ્યમવર્ગીય યુવતી અને એક પ્રભાવશાળી યુવક વચ્ચેના પ્રેમ-નફરતના સંબંધો પર આધારિત છે. ભારતીય દર્શકોને આ શોની સાદગી અને અતિશયોક્તિ વિનાનો અભિનય ખૂબ જ સ્પર્શી ગયો છે. IMDb પર 7.4 રેટિંગ ધરાવતો આ શો તેના હૃદયસ્પર્શી ગીતો અને 58 એપિસોડની રોમાંચક સફરને કારણે આજે પણ ભારતમાં નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર આ શોની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તે ભારતીય ટેલિવિઝન શોની TRP ને પણ ટક્કર આપી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ભારતીય યુવાનોમાં આ પાકિસ્તાની સિરિયલોનો ક્રેઝ વધવાનું મુખ્ય કારણ તેની વાસ્તવિક વાર્તા અને ટૂંકા રનટાઇમ છે. ભલે ફિલ્મોના માધ્યમથી બંને દેશો વચ્ચે પ્રતિબંધોનો ખેલ ચાલતો હોય, પરંતુ 'તેરે બિન' જેવા શોએ સાબિત કર્યું છે કે ડિજિટલ યુગમાં મનોરંજનને કોઈ ભૌગોલિક સીમાઓ નડી શકતી નથી.
