<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 15th January 2026

દેશી ગર્લનો વિદેશી ટાપુ પર કહેર: 'ધ બ્લફ'માં 'બ્લડી મેરી' બનીને દુશ્મનોના હાડકાં ખોખલા કરતી જોવા મળી પ્રિયંકા ચોપરા!

ભૂતપૂર્વ ક્રૂર ચાંચિયાના પાત્રમાં પ્રિયંકાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક અવતાર: પુત્રીને બચાવવા માટે તલવાર અને પથ્થરોથી ખેલાશે લોહીની હોળી: કાર્લ અર્બન સાથેની ટક્કર જોઈને ફેન્સના રૂવાડાં ઊભા થઈ ગયા

લોસ એન્જલસ: બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપરા ફરી એકવાર પડદા પર આગ લગાવવા તૈયાર છે. તેની મોસ્ટ અવેટેડ હોલીવુડ ફિલ્મ "ધ બ્લફ"  નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. આ ફિલ્મમાં પ્રિયંકા કોઈ ગ્લેમરસ અવતારમાં નહીં, પરંતુ એક ખતરનાક અને ક્રૂર ભૂતપૂર્વ ચાંચિયા (Pirate) ના લુકમાં જોવા મળી રહી છે. ટ્રેલરમાં તેનું પાત્ર 'બ્લડી મેરી' પોતાના ભૂતકાળના પાપો અને દુશ્મનોથી પોતાના પરિવારને બચાવવા માટે જીવ સટોસટની જંગ લડતી જોવા મળે છે. હાથમાં તલવાર અને આંખોમાં અંગારા જેવો તેનો આ લુક જોઈને ચાહકો કહી રહ્યા છે કે પ્રિયંકા હવે સાચા અર્થમાં હોલીવુડ પર રાજ કરવા જઈ રહી છે.

ફિલ્મની વાર્તા એક એવી સ્ત્રીની આસપાસ ફરે છે જેણે હિંસાની દુનિયા છોડી દીધી છે, પરંતુ જ્યારે તેનો ખતરનાક ભૂતકાળ ફરી તેની સામે આવે છે, ત્યારે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. ટ્રેલરમાં પ્રિયંકા માત્ર હથિયારોથી જ નહીં, પરંતુ પથ્થરો અને ખુલ્લા હાથોથી પણ દુશ્મનોનો ખાત્મો બોલાવતી નજરે પડે છે. હોલીવુડના જાણીતા સ્ટાર કાર્લ અર્બન અને ટેમુએરા મોરિસન સાથે પ્રિયંકાની કેમિસ્ટ્રી અને એક્શન સિક્વન્સ ફિલ્મને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે. ફ્રેન્ક ઇ. ફ્લાવર્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઈમોશન્સ અને એક્શનનું એવું મિશ્રણ છે જે દર્શકોને ખુરશી સાથે જકડી રાખશે.

ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં ઓસ્કારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે પ્રિયંકાએ આ પાત્ર માટે જે શારીરિક પરિવર્તન અને મહેનત કરી છે તે પ્રશંસનીય છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થવાની છે. પ્રિયંકાના ચાહકો માટે આ ફિલ્મ એક મોટી ટ્રીટ સાબિત થશે, કારણ કે આમાં તેની એક્ટિંગની સાથે સાથે તેના સ્ટંટ પરાક્રમો પણ જોવા મળશે.

(6:49 PM IST)