હૈદરાબાદમાં હંગામોઃ પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ પર ભીડ તૂટી પડીઃ માંડ-માંડ જીવ બચાવ્યો
‘ધ રાજા સાહેબ' ફિલ્મના ગીત લોન્ચ વખતે ફેન્સની મર્યાદા વટાવી ગઈઃ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અભિનેત્રીની લાચારી જોઈને લોકોમાં ભારે રોષ

હૈદરાબાદ, તા.૧૮: દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી નિધિ અગ્રવાલ માટે બુધવારની સાંજ કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ ધ રાજા સાહેબના ગીત સહના સહાનાના ભવ્ય લોન્ચિંગ દરમિયાન એવી પરિસ્થિતિ સર્જાઈ કે સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડી ગયા હતા. પોતાની મનપસંદ અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે ઉમટેલા હજારો ચાહકો એટલા બેકાબૂ બન્યા કે નિધિને ચારેબાજુથી ઘેરી લીધી હતી. આ ભીડમાં ફસાયેલી નિધિના ચહેરા પર સ્પષ્ટપણે ગભરાટ જોઈ શકાતો હતો, અને તે માંડ-માંડ ભીડમાંથી રસ્તો કરીને પોતાની કાર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આ સમગ્ર ઘટનાના વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો નિધિની એકદમ નજીક આવી ગયા હતા. નિધિ અગ્રવાલને સુરક્ષિત બહાર કાઢવા માટે તેના બોડીગાર્ડ્સને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વીડિયોમાં નિધિ ખૂબ જ અસ્વસ્થ અને ડરેલી દેખાઈ રહી છે, કારણ કે ભીડ સતત તેના પર ધસી રહી હતી. આ અરાજકતાને કારણે કાર્યક્રમમાં હાજર અન્ય લોકોમાં પણ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેણે સેલિબ્રિટીઝની સુરક્ષા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. અનેક યુઝર્સે આ પ્રકારના વર્તનને ફેન્ડમ નહીં પણ માનસિકતાની હદ ગણાવી છે.
