ગાયિકા પલક મુછાલને ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન
ગાયકી માટે નહીં પરંતુ તેના સેવાકાર્યો માટે સ્થાન મળ્યું : લિમકા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પણ આ પહેલાં તેને સ્થાન મળી ચૂક્યું છે

મુંબઇ તા.૧૪: ગાયિકા પલ મુછાલને ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ અને લિમકા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું છે, એ પણ તેની ગાયકી માટે નહીં પરંતુ તેના સેવાકાર્યો માટે મળ્યું છે. તે પોતાના મીઠા મધુર અવાજ માટે જાણીતી છે, બોલિવૂડમાં તેના અનેક જાણીતા ગીતો પણ છે, પરંતુ તે હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર લઇ રહેલા લોકોના જીવ બચાવવા માટે પણ જાણીતી છે.
તેણે પોતાના ભાઈ પલાશ સાથે મળીને પલક પલાશ ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જેના દ્વારા તેણે સમગ્ર દેશમાં લગભગ ૩૮૦૦ જરૂરિયાતમંદ બાળકોને હાર્ટ સર્જરી કરાવવામાં મદદ કરી છે. તેના કોન્સર્ટ્સમાંથી થતી આવતકમાંથી મોટો હિસ્સો સીધો જ આ બાળકોની સારવારમાં જાય છે, તેનું સંગીત માત્ર લોકપ્રિયતા મેળવવવા કે અમીર થવા માટે નહીં પણ અન્યોને મદદ કરવામાં કામ આવે છે.
પલકનો જન્મ ઇંદોરમાં થયો છે અને એક વખત ટ્રેનમાં સફર દરમિયાન તેણે કેટલાંક ગરીબ બાળકોને, ભુખ્યા, ખુલ્લા પગે ફરતા અને જીવવા માટે સંઘર્ષ કરતા જોયા. તેની પલકના મન પર ઉંડી અસર થઈ. તેણે આ જોઈને પોતાની જાતને વચન આપ્યું હતું કે, ‘‘એક દિવસ, હું આવા બાળકોને મદદ કરીશ.''
તેનાં વર્ષો પછી હવે તે આ વાતને સાચી સાબિક કરી રહી છે. તેણે દેશ અને વિદેશમાં કોન્સર્ટનું આયોજન શરુ કર્યું, જેથી તે ગરીબ બાળકોની હાર્ટ સર્જરી કરાવી શકે. માત્ર ૨૦૧૩માં જ તેણે ૫૭૨ બાળકોને ૨.૫ કરોડની મદદ કરી હતી. આમ તેણે ગાયેલાં દરેક ગીત માટે તેણે ગરીબ બાળકોના જીવ બચાવ્યા છે. તેના આ કાર્યો બદલ તેને વિશ્વકક્ષાએ નામના મળી છે. તેણે ગુજરાતમાં ભુકંપ વખતે પણ ૧૦ લાખનું દાન કર્યું હતું, તેણે કારગિલ યુદ્ધના શહીદોના પરીવારોને પણ મદદ કરી છે. તેઓ માને છે કે કોઈ કોન્સર્ટ કે શો ન હોય તો પણ બાળકોની સર્જરી નહીં અટકે.(૩૮.૫)
