મલ્હાર ઠાકર અને પૂજા અમદાવાદમાં નવો કેફે શરૂ કરશે :કપલનો ' ત્રિપુટી' અંગેનો ઈશારો નવા વેન્ચર તરફ હતો
અમારી નાનકડી દુનિયા હવે વિસ્તરી રહી છે!' આ લાઈન જોઈને ફેન્સે અંદાજો લગાવ્યો કે કદાચ કપલ જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કપલે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, 'અમે હવે ત્રિપુટી બનવા જઈ રહ્યા છીએ.' આ પોસ્ટ જોઈને ફેન્સને એવું લાગી રહ્યું હતું કે, પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ આ કપલ માતા-પિતા બનશે. ઘણા સાથી કલાકારોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
પરંતુ હકીકતમાં આ 'ગુડ ન્યૂઝ' તેમનો નવો બિઝનેસ વેન્ચર છે. મલ્હાર અને પૂજાએ હવે પોતે જ ખુલાસો કર્યો છે કે તેઓ અમદાવાદમાં એક નવો કેફે શરૂ કરી રહ્યા છે. ફેન્સને લાગ્યું હતું કે, તે તેમના પરિવારમાં કોઈ નવા મહેમાનના આગમન વિશે છે, પરંતુ જાણમાં આવ્યું કે 'ત્રિપુટી'નો ઈશારો મલ્હાર, પૂજા અને તેમના નવા કેફે તરફ હતો. આ રીતે 'ગુડ ન્યૂઝ'ના બહાને આ કપલે નવા કેફેની અનોખી જાહેરાત કરી છે.
આજે મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યુઝ શેર કરતા લખ્યું કે, તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે! અમારા દિલ ઉત્સાહથી છલકાઈ રહ્યા છે કે આખરે અમારા બાળકનું અનાવરણ થશે અને સ્વપ્ન સાકાર થવામાં મદદ મળશે: @Kooffeecafe - એક હૂંફાળું કાફે જે કોફીના જાદુ અને ગુજરાતી સિનેમાના સમૃદ્ધ વારસાને હૃદયપૂર્વક સેલિબ્રેટ કરશે. આ અદ્ભુત નવા પ્રકરણની શરૂઆત કરતી વખતે અમારી સાથે ઉજવણી કરો. તમારા સમર્થનનો અર્થ વિશ્વ છે, અને અમે તમારા અદ્ભુત ઉર્જાથી ઘેરાયેલા અમારા જન્મદિવસને ઉજવવાની આનાથી વધુ સારી રીતની કલ્પના પણ કરી શકતા નથી!
આ પોસ્ટમાં મલ્હાર અને પૂજાએ તેમના કેફેનું સરનામું પણ શેર કર્યું છે. ફેન્સને 28 જુને તેમના જન્મદિવસે Meet & Greet માટે આવવાનો આગ્રહ પણ કર્યો છે. સાથે જ લખ્યું છે કે, 'મજામાં જોડાઓ, પ્રેમ વહેંચો, અને ચાલો નવી શરૂઆત (અને સ્વાદિષ્ટ કોફી!) ની શુભેચ્છા પાઠવીએ. અમે તમને ત્યાં જોવા માટે ઉત્સુક છીએ!'
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું – 'અમારી નાનકડી દુનિયા હવે વિસ્તરી રહી છે!' આ લાઈન જોઈને ફેન્સે અંદાજો લગાવ્યો કે કદાચ કપલ જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે. જોકે, પોસ્ટમાં મલ્હાર અને પૂજાએ, તેઓ માતા-પિતા બનવાના છે એવો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય કર્યો નહોતો.