વિવેક ઓબેરોય પરિવાર સાથે કાયમ માટે સ્થાયી થઈ ગયો દુબઈમાં
તેની કુલ નેટવર્થ ૧૨૦૦ કરોડ રૂપિયા છે અને હવે તે ચાર વર્ષથી ભારત છોડીને કાયમ માટે દુબઈમાં સ્થાયી થઈ ગયો છે

દુબઈ,તા.૨૪: વિવેક ઓબેરોયને અભિનય કરતાં બિઝનેસ-વર્લ્ડમાં વધારે સફળતા મળી છે. રિપોર્ટ પ્રમાણે આજે તેની કુલ નેટવર્થ ૧૨૦૦ કરોડ રૂપિયા છે અને હવે તે ચાર વર્ષથી ભારત છોડીને કાયમ માટે દુબઈમાં સ્થાયી થઈ ગયો છે.
વિવેકે હાલમાં એક યુટયુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું કોવિડ-૧૯ દરમ્યાન સૌથી પહેલી વખત દુબઈ ગયો હતો અને ત્યાંનું સકારાત્મક વાતાવરણ એટલું ગમ્યું કે પરિવાર સાથે ત્યાં સ્થાયી થવાનું આયોજન કર્યું. જોકે મારો આ નિર્ણય એકતરફી નહોતો, આ માટે આખા પરિવારની સહમતી લેવામાં આવી હતી અને પરિવારે સાથે મળીને નિર્ણય લીધો કે હવે તેઓ દુબઈમાં રહેશે. મારા પરિવારે વોટિંગ કરીને નક્કી કર્યું કે દુબઈ જ હવે તેમનું ઘર હશે. વળી ભારત અને દુબઈનું અંતર એટલું ઓછું છે કે જ્યારે ઇચ્છીએ ત્યારે ઘરે જઈ શકીએ છીએ. હવે તો છેલ્લાં ચાર વર્ષમાં આ જગ્યા પોતાની લાગવા લાગી છે. અહીંનું વાતાવરણ ખૂબ સકારાત્મક છે. જો તમે સ્થાનિક કાયદા, સંસ્કળતિ અને લોકોનું સન્માન કરો તો તમને ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે. અહીં એક સ્વતંત્રતા છે, જ્યાં તમે તમારી રીતે ખીલી શકો છો.'
વિવેકે દુબઈને પોતાની નવી ઓળખ બનાવી લીધી છે. આજે તે ત્યાંથી પોતાની લક્ઝરી રિયલ એસ્ટેટ કંપની ચલાવી રહ્યો છે, જેની કિંમત લગભગ સાત બિલ્યન ડોલર એટલે કે ભારતમાં એ આશરે ૫૮,૦૦૦ કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ કંપની ઝીરો-ડેટ એટલે કે કોઈ દેવા વિના કામ કરી રહી છે.