બંટવારા , લોહા અને કયામત જેવી ફિલ્મો બનાવનારા સલીમ અખ્તરનું નિધન

મુંબઈ: તાજેતરમાં, ભૂતકાળના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને ગુમાવ્યા બાદ બોલિવૂડને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મનોજ ૮૭ વર્ષના હતા અને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મોને કારણે તેમને 'ભારત કુમાર'નું ટેગ આપવામાં આવ્યું હતું. પીઢ નિર્માતા સલીમ અખ્તરે આ દુનિયાને અલવિદા કહ્યું. તેમનું અવસાન ૮ એપ્રિલના રોજ થયું. તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા. અખ્તર ૮૨ વર્ષના હતા. 'બિગ બોસ' ફેમ ફિલ્મ વિવેચક કમાલ આર ખાને એક પોસ્ટ શેર કરીને માહિતી આપી કે પીઢ ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરનું નિધન થયું છે. જોકે, તેમના પરિવાર કે નજીકના કોઈ સભ્યએ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ આપી નથી.તેમણે તેમના પ્રોડક્શન હાઉસ આફતાબ પિક્ચર્સ હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમની ઘણી ફિલ્મો વ્યાપારી રીતે હિટ રહી હતી.તેમના નિધનના સમાચારથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અખ્તરને આજે (બુધવાર, 9 એપ્રિલ) બપોરે 1.30 વાગ્યે ઝોહરની નમાઝ પછી ઇરલા મસ્જિદ નજીકના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. તેમના લગ્ન શમા અખ્તર સાથે થયા હતા. તેમને એક પુત્ર, સમદ અખ્તર છે. તે પોતાના અંગત જીવનને ગુપ્ત રાખતો હતો. અખ્તરે રાની મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી અભિનેત્રીઓને લોન્ચ કરી.તેણે 1997માં આવેલી ફિલ્મ રાજા કી આયેગી બારાતનું નિર્માણ કર્યું હતું. આ રાનીની પહેલી ફિલ્મ હતી અને તેમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સારી ચાલી ન હતી પણ આ પછી રાની માટે દરવાજા ખુલી ગયા. આ ઉપરાંત, અખ્તરે 2005 માં તમન્નાહ પણ લોન્ચ કરી હતી, જેની ખ્યાતિ આજે ચરમસીમાએ છે. અખ્તરે તમન્નાહની ફિલ્મ 'ચંદા સા રોશન ચેહરા' પ્રોડ્યુસ કરી હતી.
