પ્રથમ મહિલા IPS ઓફિસરની વાર્તા ઉપર બની રહી છે ફિલ્મ
મહિલા IPS ઓફિસરની ક્યારેય ન સાંભળેલી વાર્તાઃનિર્માતાઓએ તેની જાહેરાતનું ટીઝર રિલીઝ કર્યું

મુંબઈ, તા.૧૨
જે વ્યક્તિની વાર્તાઓ તમે બાળપણથી સાંભળી હશે...જેની વાર્તાઓ તમારા માતા-પિતાએ તમને ઘણી વખત કહીને સંભળાવી હશે , તેવી વ્યક્તિના જીવન પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે. રિયલ લાઈફ સ્ટોરી પર ટૂંક સમયમાં બની રહેલ ફિલ્મ બીજું કોઈ નહીં પણ દેશની પ્રથમ મહિલા IPS ઓફિસર કિરણ બેદી છે. નિર્માતાઓએ તેની જાહેરાતનું ટીઝર રિલીઝ કર્યું. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે.
દેશની પ્રથમ મહિલા IPS ઓફિસર કિરણ બેદીના જીવન પર આધારિત ફિલ્મ *બેદી*ની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતાઓએ ખૂબ જ શાનદાર સંગીત સાથે મોશન પોસ્ટર રિલીઝ કર્યું. પોસ્ટરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમાં એવી વાર્તાઓ સામેલ કરવામાં આવશે જે તમે ક્યારેય જોઈ કે સાંભળી ન હોય. કિરણ બેદીના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ સમાચારે ચાહકોને ઉત્સાહિત કરી દીધા છે. નિર્દેશક કુશલ ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી હતી. તેણે લખ્યું- આ રહ્યું! કુશલ ચાવલા દ્વારા લિખિત અને દિગ્દર્શિત ડૉ. કિરણ બેદીના જીવન પરની બાયોપિક ફીચર ફિલ્મની જાહેરાત. આશા છે કે તમને મોશન પોસ્ટર જોઈને આનંદ થયો હશે અને હજુ ઘણું બધું આવવાનું છે. જોડાયેલા રહો!
IPS ઓફિસર કિરણ બેદી નાનપણથી જ નીડર હતા. તેણીના સ્કુલના દિવસો દરમિયાન, જ્યારે કોઈ તેની બહેનને છેડતું હતું, ત્યારે કિરણે તેને બજારમાં માર માર્યો હતો. અહીંથી જ કિરણે છોકરીઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ શરૃ કર્યો હતો. તેણે નક્કી કર્યું હતું કે તે લોકોને દહેજ વિરુદ્ધ જાગૃત કરશે. કિરણ બેદીએ ૧૯૭૦માં પોતાના કરિયરની શરૃઆત કરી હતી. તેણે મસૂરી સ્થિત નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાંથી આઈપીએસની તાલીમ શરૃ કરી. ૮૦ પુરૃષ પોલીસ અધિકારીઓમાં તે એકમાત્ર મહિલા IPS અધિકારી હતી.આજે પણ કિરણની ઘણી વાતો સાંભળવા મળે છે. ફિલ્મની જાહેરાતથી ચાહકોમાં ચકચાર મચી ગઈ છે. દરેક લોકો કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે. જ્યારે તેની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે.
