Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

યે દુનિયા યે મહેફીલ મેરે કામ કી નહિ...

લાલકૃષ્ણ અડવાણી : વીપરિત સંજોગોમાં મહાપરાક્રમ, પણ એક ભૂલ અને પ્રભાવ ધ્વસ્ત...

ભૂલ દરેકથી થાય, પરંતુ ભૂલ થયા બાદ સજાગ બનીને સ્થિતિમાંથી શીખીને આગળ ધપે તેની સફળતાની તક વધી જાય છે. કોંગ્રેસના ધુંઆધાર નેતા ઇન્દિરા ગાંધીએ સત્તા જાળવવા કટોકટી લાદીને ઐતિહાસિક રાજકીય ભૂત કરી હતી. ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. આ ઘટના અનુસંધાને આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે. ર૪ માર્ચ ૧૯૭૭ના દિને ઇન્દિરા-કોંગ્રેસને હરાવીને મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા હતા.

ભૂલ અને પરાજય બાદ ઇન્દિરાજી ડિપ્રેશ થયા ન હતા. નવો વ્યૂહ ઘડીને ટૂંકાગાળામાં ફરીથી વડાપ્રધાન બન્યા હતા. આને સજાગ નેતૃત્વ કહેવાય. ઐતિહાસિક ભૂલ બાદ જાગૃતિ દાખવવામાં ન આવે તો નેતાનો ઇતિહાસ બની થઇ જાય છે.

આજે ભાજપના એક સમયના ધુરંધર નેતા અડવાણી અંગે આજે ચિંતન કરીએ. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રથમ લીસ્ટમાં ખ્યાલ આવી ગયો કે અડવાણીજી હવે ઇતિહાસ બની ગયા છે. જોકે ૯૦ વર્ષની વયે ચૂંટણી લડવા ઇચ્છા ધરાવવી યોગ્ય નથી લાગતી, છતાં અડવાણીજીએ ચૂંટણી લડવા જાહેર ઇન્કાર નથી કર્યો, પણ ભાજપના લીસ્ટમાંથી ગાયબ થઇ ગયા છે.

એક સમયે દેશમાં ભાજપની કોઇ ઓળખ ન હતી ત્યારે દેશભરમાં કોંગ્રેસ હાવી હતી. આક્રમક શાસકો હતા. આ વીપરિત સંજોગોમાં અડવાણી-અટલની જોડીએ ખૂબ સંઘર્ષ કર્યો. ભાજપની ઓળખ સ્થાપિત થઇ. અટલજી સોફટ અને અડવાણી ઉગ્ર નેતા ગણાતા હતા.

અટલજી વડાપ્રધાન બન્યા અને અડવાણી નાયબ વડાપ્રધાન બન્યા. અટલજી બાદ અડવાણી વડાપ્રધાન બનવા માટે વ્યૂહ ઘડતા હતા. પોતાનો આક્રમક હિન્દુવાદી ચહેરો નડતો હતો. અડવાણીજીએ હિન્દુવાદી ચહેરો બદલવા ખેલ નાખ્યો એ ઐતિહાસિક ભૂલ હતી. પાકિસ્તાનમાં મહમદ અલી ઝીણાની મઝારે જઇને તેને બિનસાંપ્રદાયિક ગણાવ્યા.. ખૂબ વિવાદ થયો. હિન્દુ મતદારોનો આ ખુલ્લો દ્રોહ હતો.

આ દ્રોહ બાદ થયેલી ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા. અડવાણીજીની એક ભૂલના કારણે ભાજપ દશ વર્ષ પાછળ ધકેલાઇ ગયો. અડવાણીજીના વ્યકિતત્વના પતનનો પ્રારંભ થઇ ગયો હતો. ભૂલ બાદ સજાગ ન થયા. નવો વ્યૂહ ઘડી ન શકયા. ભાજપમાં સાઇડ લાઇન થવા લાગ્યા. હવે રાજનીતિમાં પણ આઉટ ઓફ ડેઇટ થઇ ગયા...

માત્ર રાજનીતિમાં જ નહિ, દરેક ક્ષેત્રે આ બાબત લાગુ પડે છે. જીવનના મહત્વના સમયમાં ભૂલો થઇ જતી હોય છે. ભૂલ બાદ જાગૃત ન બને તે વયકિત આઉટ ઓફ ડેઇટ બને છે. ભૂલ બાદ જાગૃત બનીને ઝઝૂમે તો ઇન્દિરાજીની જેમ ફરી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થઇ શકે છે.

 

(11:04 am IST)