Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

તું રંગાઇ જાને રંગમાં...

હોલી ઉત્સવ : દેશમાં ચૂંટણી વિવાદના ભડકા થાય છે, આક્ષેપોના રંગ ઉડે છે... સત્તાની ઘુઘરી કોને મળશે ?

ભારતના રાજકીય ઇતિહાસમાં આવતીકાલનો દિન વિશેષ છે. દેશમાં ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટી ર૧ માર્ચ ૧૯૭૭ના દિને સમાપ્ત ઘોષિત થઇ હતી. આ દિવસે જ લોકસભાની મધ્યસત્ર ચૂંટણીની ઘોષણા પણ થઇ હતી. નરેન્દ્રભાઇ મોદીને સરમુખત્યાર કહેનાર કોંગીજનો આ ઇતિહાસને ભૂલી ગયા હોય તેમ લાગે છે.

હાલ લોકસભાની ચૂંટણીની હોરી ચાલે છે ત્યારે ભાજપીઓ પ્રચારમાં આવા ઐતિહાસિક દિવસનો લાભ નથી લેતા એ આશ્ચર્ય ગણાય. આજે પરંપરાગત હોલી ઉત્સવ છે. દેશમાં ગામે-ગામ હોલિકા દહનની તૈયારી ચાલે છે. દરેક ઉત્સવો પાછળ દંતકથાઓ અને આરોગ્યનો દૃષ્ટિકોણ હોય છે. શિયાળાની વિદાય થઇ છે. વાતાવરણમાં ફેલાયેલા વાયરસ અને શરીરમાં જામેલા કફ ઓગાળવા માટે પ્રગટતી હોળીની પ્રદક્ષિણાની પરંપરા છે. અસત્યને ભસ્મિભૂત કરીને સત્યના વિજયનો સંદેશ આપતો આ ઉત્સવ છે. હોળીના બીજા દિવસે ધૂળેટી ગણાય, રંગોત્સવ જામે છે. કેશુડાનો રંગ આરોગ્યવર્ધક અને નેચરલ હોય છે, જેનાથી રમવાની પરંપરા હતી. હવે કેમિકલયુકત રંગે રમીને આરોગ્યની પથારી ફેરવવાનું કામ થાય છે.

જોકે આ વર્ષે તો લોકસભાની ચૂંટણીની હોળી બરાબરની પ્રગટી છે. રાજકીય પક્ષોના ગેરૈયાઓ મતરૂપી છાણા વીણવા-લૂટવા મરણિયા બન્યા છે. આ હોળીની વિશેષતા એ છે કે બધાં પક્ષો અન્યના પક્ષમાં મોટા ભડકા કરવાની સ્પર્ધા કરે છે. ચિત્ર-વિચિત વિવાદો સળગાવવામાં આવે છે અને મીડિયા જગત ઝીણા-ઝીણા ભડકા પર કેરોસીન-પેટ્રોલ છાંટીને મોટા ભડકા કરવામાં વ્યસ્ત છે.

રાજકીય હોળીનો તાપ ખૂબ આકરો છે. ઘુઘરી બરાબરની બફાઇ જવાની છે. સત્તાની ઘુઘરી કોને મળે એ સસ્પેન્સ છે, પરંતુ એક બાબત નક્કી છે કે, લોકોના હાથમાં ઘુઘરો જ આવશે, જે પાંચ વર્ષ વગાડયે રાખવાનો...

નકારાત્મક ચિંતન યોગ્ય ન ગણાય. ચૂંટણી લોકશાહીનું મોટુ પર્વ છે. સારામાં સારા નેતા ન મળે તો ઓછામાં ઓછા ખરાબ શોધીને તેને મત આપજો. રાષ્ટ્રના હિતનો લાંબાગાળાનો વિચાર આપણે કરવાનો છે.

રાજકારણમાં મને રસ નથી એમ કહીને છટકી નહિ શકાય. રાજકીય ધુળેટી એવી છે કે, તમે ઇચ્છો કે ન ઇચ્છો, પરંતુ તેનો રંગ તમને ઉડવાનો જ છે. આ કારણે છટકવાનો પ્રયાસ કરવાને બદલે-રંગાઇ જાને રંગમાં... બાઘડા જેવા ભલે થઇ જવાય, પરંતુ મતદાન સુધી રાજકીય ધુળેટી મનમૂકીને ખેલજો. મતદારો સમજદારીનો રંગ બનાવશે તો દેશનો રંગ જરૂર નીખરશે.

HAPPY HOLI

(11:25 am IST)