Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મેં ભી ચોકીદાર : થીમની લૂટફાટ !

કોંગ્રેસે ચોકીદાર થીમ પર હુમલો કર્યો તો મોદીએ ચોકીદારની વ્યાખ્યા બદલી નાખી : રસપ્રદ થીમ-જંગ

કાશ્મીરી પથ્થરબાજો પર માનવતાવાદીઓનો પ્રેમ ઉભરાય છે, પરંતુ ૧૯૯૦માં માનવતાના ઝંડાધારીઓ કંઇ બોલતા ન હતા. ૧૯ માર્ચ ૧૯૯૦ના દિને હિંસાથી ભયભીત બનીને લાખો હિન્દુઓએ કાશ્મીર છોડવાની શરૂઆત કરી હતી..

આ સમયે કોંગ્રેસ લઘુમતીને ખુશ રાખીને ચૂંટાતી હતી. લઘુમતીઓના મતો માટે રાજકીય પક્ષોની દોડ હતી. કાશ્મીરી પંડિતો માટે માનવ અધિકાર પણ ચૂપ હતું. કોંગ્રેસે ત્યારે નીતિ વિષયક પરિવર્તન કરીને બહુમતીઓનો અવાજ બનવા નીતિ અપનાવી હોત તો સંઘનો આટલો વ્યાપ વિસ્તર્યો ન હોત..

સંઘે હિન્દુત્વ જાગૃત કર્યા બાદ કોંગ્રેસે આ તરફ ઢસડાવવું પડયું છે. બ્રાહ્મણ બનવું પડયું, ગોત્ર શોધવું પડયુ. દીર્ધદૃષ્ટિના અભાવના કારણે પક્ષોને ચૂંટણી જીતવી અઘરી પડે છે.

ચૂંટણી વખતે રાજકીય પક્ષોમાં થીમની પરંપરા શરૂ થઇ છે. યાદ કરો, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પૂર્વે 'ચાયવાલા' તરીકે ખુદને ઉપસાવ્યા હતા. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ચોકીદાર થીમ ઉપસાવી છે. છેલ્લા છ-સાત મહિનાથી મોદી પોતાને ચોકીદાર ગણાવી રહ્યા છે અને થીમનો પ્રચાર તેજ કર્યો છે.

આ સામે કોંગ્રેસે ખુદની થીમ સર્જવાને બદલે વડાપ્રધાનની થીમ પર હુમલો કર્યો. 'ચોકીદાર ચોર હૈ!'નો પ્રચાર રાહુલ ગાંધીએ આદર્યો છે. થીમ ઉપર આક્રમણ થતાં ભાજપે થીમ અપ-ડેટ કરીને 'મેં ભી ચોકીદાર' અપનાવી.. મોદીજીએ ચોકીદારની વ્યાખ્યા બદલી નાખી. ચોકીદાર ચોર હૈ,નો પ્રચાર વડાપ્રધાન પર સીધીું આક્રમણ થતું હતું, આ કારણે વ્યાખ્યા બદલીને પોતાના પરનું આક્રમણ ડાઇવર્ડ કર્યુ છે. મેં ભી ચોકીદાર શબ્દો અંગે મોદીજીએ એવી વ્યાખ્યા કરી કે, હું એકલો જ નહિ, જે ભ્રષ્ટાચાર સામે લડવા ઇચ્છે છે, નૈતિકતાની રક્ષા કરવા ઇચ્છે છે એ બધાં ચોકીદાર છે. આ થીમના કારણે હવે રાહુલ ચોકીદાર થીમ પર હુમલો કરશે તો નૈતિક લોકો પર હુમલો થયો ગણાશે.

ભાજપીઓએ ટવીટર પર પોતાના નામની આગળ ચોકીદાર લખવાનું શરૂ કરી દીધું છે. મોદીજીના સમર્થકોએ પણ અનુસર્યા છે. થીમનો જંગ રસપ્રદ બન્યો છે.

ગઇકાલે વિજયભાઇ રૂપાણીએ પણ મેં ભી ચોકીદાર લખ્યું હતું. થોડી ક્ષણમાં સમાચાર આવ્યા કે, શંકરસિંહ વાઘેલાના ઘરમાં ચોરી થઇ ! ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા કથડી ગઇ છે. રાજયને કે દેશને નક્કર થીમની નહિ, નક્કર ચોકીદારની જરૂર છે.

(11:22 am IST)