Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નામ નહિ, જીવન પણ મનોહર...

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરજીનું અંગત અને જાહેર જીવન નેતા સમાજને પ્રેરણા આપનારૂ હતું...

આ વખતની લોકસભાની ચૂંટણીના ચોઘડિયા બરાબર નથી લાગતા. બરાબર માહોલ જામ્યો હતો ત્યાં પુલવામાં હુમલો થયો. બાદમાં એર-સ્ટ્રાઇક થઇ. વાતાવરણ ડહોળાઇ ગયું. દશેક દિવસ બાદ ફરીથી લોકસભાની ચૂંટણીનો ખુમાર જામ્યો ત્યાં ગઇકાલે ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરજીનું નિધન થયું...

ભારતમાં નેતાઓનો પાર નથી. નેતાઓ આવે અને જાય, કોઇ વિશેષ નોંધ લેવાતી નથી. ગોવા ખૂબ નાનું રાજય છે. ત્યાંના મુખ્યમંત્રીનું રાષ્ટ્રીયસ્તરે કોઇ વિશેષ મહત્વ ન હોય, પણ મનોહર પારિકરની લોકપ્રિયતાએ પ્રદેશની હદના સીમાડા પાર કરી નાખ્યા હતા. લોકસભાની ચૂંટણીનો માહોલ ફરી જામ્યો હતો, પરિકરજીની વિદાયથી રાજકીય આઘાત લાગ્યો. મીડિયામાં મનોહર છવાઇ ગયા...

અપ્રતિમ લોકપ્રિયતા, સત્તાનું સિંહાસન છતાં મનોહર હવામાં ન'તા ઉડ્યા. અત્યંત સાદગીભર્યું જીવન એમની સહજ વિશેષતા હતી. પારિકરજી વિવાદોથી પર હતા. તેઓની કાર્ય-કુશળતાના કારણે મોદી સરકારમાં સંરક્ષણ જેવું અતિ મહત્વનું ખાતુ સંભાળ્યું હતું અને સાદગી જાળવી રાખી હતી.

મનોહર રાષ્ટ્રીય રાજનીતિમાં ગયા તો ગોવાનું શાસન હાલક-ડોલક થઇ ગયું. તેઓને ફરીથી ગોવા મોકલવા પડયા, આ બાબત તેઓની અનિવાર્યતા દર્શાવે છે. કમાલ એ છે કે કેન્સર જેવી બીમારી, ઓપરેશન બાદ નાકમાં નળી ભરાવીને પણ મનોહર પારિકર સેવા કરતા રહ્યા.

દુઃખદ બાબત એ છે કે, તાજેતરમાં રાહુલ ગાંધી ગોવા પ્રવાસે ગયા ત્યારે પારિકરજીની તબીયત ખરાબ હતી. રાહુલ ખબર અંતર પૂછવા ગયા. દશેક મિનિટ વાતચીત થઇ. આ મુલાકાત બાદ બહાર આવીને રાહુલે મોનહરના નામે રાફેલ અંગે વિવાદિત નિવેદન કર્યું... રાહુલની આવી નીતિ અંગે ખુદ પારિકરજીએ દુઃખ વ્યકત કર્યું હતું. કોંગ્રેસે મનોહરજીની બિમારીનો રાજકીય લાભ લેવા ખૂબ પ્રયાસ કર્યો હતો.

ભારતની રાજનીતિ નાલાયકીથી ભરેલી છે. મનોહર પારિકર આ બધાંથી દૂર હતા. પોતાનું વ્યકિતત્વ પ્રભાવી બનાવવા કોઇ એજન્સી કે પ્રશાંત કિશોરોને 'સોપારી' આપવી પડી ન હતી. એ ઉભરેલી નેતાગીરી હતી અને સાદગી સભર જીવન જીવીને લોકોના કામ કરીને નક્કર લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આવા નેતાઓ માત્ર ગોવાનું જ નહિ, રાષ્ટ્રનું ગૌરવ ગણાય.

મનોહરજીના નિધન બાદ નેતાઓની જમાત તેમને અંજલી આપવા ટીવી પડદે આવવા લાગ્યા. મોટાભાગના નેતા-નેતીઓ આવા વ્યકિતત્વને અંજલી આપવાની લાયકાત ધરાવતા ન હતા. મનોહરજીનું નામ જ નહિ, જીવન અને વ્યકિતત્વ પણ મનોહર હતું. તેઓ દંભથી દૂર અને સકારાત્મક નેતા હતા. નેતાઓની જમાતે તેમનામાંથી પ્રેરણા લેવી જોઇએ. લોકપ્રિયતા માટે નાટક નહિ, નક્કર કામ કરો. (૮.ર)

(11:18 am IST)