Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

મુદ્દા સર્જન, બુદ્ધિનું વિસર્જન

તમામ પક્ષોએ લોકપ્રશ્નોના મુદ્દા ભૂલાવી દેવાનું ષડયંત્ર રચ્યું હોય તેમ લાગે છે : મતદારોએ ઢંઢેરો જાહેર કરવો જોઇએ

આજે ઇતિહાસનો બ્લેક-ડે છે. ૧૩ માર્ચ ૧૯૯૩ના દિને મુંબઇમાં રાક્ષસી હટ્ટહાસ્ય થયું હતું. વિસ્ફોટોની હારમાળા સર્જાઇ હતી. ઠેરઠેર બોમ્બ ધડાકામાં નિર્દોષ ૧૩૦૦ લોકોના મોત થયા હતા. ત્રાસવાદીઓનો હુમલો ભારત પર હતો, પરંતુ હજુ સુધી આ ઘટનાનો બદલો લેવાયો નથી. રાજકીય પક્ષોની નાલાયકી એ છે કે, એક-બીજા પર આક્ષેપો કરવામાં ત્રાસાદનો ઉપયોગ કરે છે.

તાજેતરના હુમલા બાદ કોંગ્રેસે પૂછયું- 'મસુદને ભારતમાંથી સલામત મોકલનાર કોણ હતું ?' આ સવાલના જવાબમાં ભાજપીઓ કોંગ્રેસ શાસનમાં થયેલા ત્રાસવાદી હુમલાના લીસ્ટ કાઢયા.. વાસ્તવમાં ત્રાસવાદી ભારત પર ત્રાટકે છે. કેન્દ્રમાં કયારેય ભાજપ-કોંગ્રેસની સરકારો હોતી નથી, એ ભારત સરકાર હોય છે. ભારત પર હુમલા થાય એ જવાબદારી ભારત સરકારની હોય છે.

રાજનીતિ એટલી નીચી ગઇ છે કે, ત્રાસવાદી હુમલા અંગે પણ રાજનીતિ કરે છે. એર સ્ટ્રાઇકના પુરાવા માંગવા, મસુદ અંગે રાજકીય દૃષ્ટિકોણથી નિવેદનો ફટકારવા આ રાજકીય નાલાયકી જ ગણાય. ચૂંટણીલક્ષી મુદ્દાઓનું સર્જન કરવા ભાજપ-કોંગ્રેસ બંને રાષ્ટ્રીયસ્તરની બુદ્ધિનું વિસર્જન કરી દે છે. જોકે દરેક પક્ષો-નેતાઓ મુદ્દાના માસ્ટર બની ગયા છે.

ભારત વિવિધ સમસ્યાઓથી ખદબદતો દેશ છે. સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીયસ્તરના પ્રશ્નો અપાર છે, આ મુદ્દે ચૂંટણી પ્રચારને બદલે વિચિત્ર મુદ્દાઓનો ઉપયોગ કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ લોકોને પ્રશ્ન પૂછયો કે, તમારે ગોડસેનું ભારત જોઇએ છે કે ગાંધીનું ? 'આનો જવાબ નરેન્દ્ર મોદીએ આપ્યો-' ગાંધીજી જ કોંગ્રેસ મુકત ભારત ઇચ્છતા હતા, ગાંધીજીએ કોંગ્રેસનું વિસર્જન કરવા ભલામણ કરી હતી !'

ગાંધી યુગ પૂરો થઇ ગયો છે એ યુગમાં ગાંધીજી પ્રસ્તુત હતા, હવે સમય બદલાયો છે. આ સમયમાં ભાજપ-કોંગ્રેસ ગાંધીજીના મુદ્દા ઉછળે તેનો કોઇ અર્થ ખરો ? ગુજરાતમાં કોંગ્રેસની વર્કીંગ કમિટીની બેઠકમાં ટોચના નેતાઓ આવ્યા, પરંતુ મુદ્દા ન બદલાયા. આ સામે ભાજપ પણ અપ્રસ્તુત મુદ્દાની જ મગજમારીમાં વ્યસ્ત છે.

મત લોકોના જોઇએ છે, પણ લોકોના પ્રશ્નો અંગે વાત કરવા પણ નેતાઓ તૈયાર નથી. આ સ્થિતિમાં પરંપરા બદલાવી જરૂરી છે. લોકોએ નેતાઓના ફાલતુ બકવાસો સાંભળવાને બદલે લોકોએ ઢંઢેરો પ્રસિદ્ધ કરવો જોઇએ, જેમાં સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીયસ્તરના પ્રશ્નો હોવા જોઇએ. લોકોએ સંગઠીત થઇને જાહેર કરવું જોઇએ કે, આ પ્રશ્નોના લીસ્ટમાં તમે શું કર્યું છે અને શું કરી શકો તેમ છો, તે અંગે ભાષણ આપવું હોય તો જ આવજો...

લોકજાગૃતિ જ નેતાઓની જમાતને લોકનિષ્ઠ-રાષ્ટ્રનિષ્ઠ બનાવી શકે છે. ભારતીયો જયાં સુધી નાત-જાત-ધર્મના ફાલતુ ચકરડામાં રહેશે ત્યાં સુધી સુખી નહિ થાય.

 

(12:37 am IST)