Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

શેરીથી સીરિયા : યુદ્ધ હી યુદ્ધ !

ડો. તોગડિયાથી ટ્રમ્પ : મામલા વ્યકિતગત, શૂરાતન સર્વાજનિક!

સીરિયા પર અમેરિકા રાક્ષસ બનીને ત્રાઙ્ગકયું. વિશ્વભરમાં ઉત્તેજના સર્જનાર આ ઘટના અંગે ગંભીર બનવાને બદલે ગઇકાલે યુનોએ કઠુઆકાંડની ચિંતા કરતા કહ્યું કે, ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. ટ્રમ્પની અસહિષ્ણુતા સામે બોલવાની યુનોને ત્રેવડ નથી.

શેરીથી માંડીને સીરિયા સુધીની ગ્રહદશા ગોટે ચઢી હોય તેમ લાગે છે. ચારેબાજુ યુદ્ધનો માહોલ સર્જાયો છે.

વિશ્વ હિન્દુ પરિષદની ચૂંટણી બાદ સમસ્યામાં વધારો થયો છે. ડો. તોગડિયાનું જૂથ પરાજિત થયું છે. પ્રવીણભાઇએ આવતીકાલ-મંગળવારથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે.

ડો. પ્રવીણભાઇ તોગડિયા દાયકાઓથી વિહિપનો ચહેરો બની રહ્યા હતાં. સંસ્થા માટે ખૂબ કામ કર્યુ એ સાચું છે, પરંતુ એ પણ સાચું છે કે, હિન્દુ સમાજની સ્થિતિમાં કોઇ નોંધપાત્ર ફેર પડયો નથી. ડો. તોગડિયાજી હિન્દૃ હૃદય સમ્રાટ બનીને ઉભર્યા હતાં એ સાચું છે, પરંતુ એ પણ સાચું છે કે- ભુતકાળમાં ગુજરાતની ચૂંટણીમાં પરિવર્તન પાર્ટી મેદાનમાં હતી ત્યારે ડો. તોગડિયા જ્ઞાતિવાદી બનીને ખુલ્લેઆમ સમર્થનમાં આવ્યા હતા. ડો. પ્રવીણભાઇ તોગડિયાએ ૧૦૦ કરોડ હિન્દુઓનો અવાજ ઉઠાવ્યો તેની સજા મળી તેમ કહે છે, પરંતુ એ વાસ્તવિકતા તેના સમર્થનમાં ગુજરાતમાં થોડા રાજીનામા પડવા સિવાય કોઇ મોટી હલચલ થઇ નથી. આ બધું દર્શાવે છે કે, વ્યકિતગત એજન્ડામાં સાર્વજનિક શૂરાતન ચઢાવવું શકય બન્યું નથી.

વ્યકિતગત એજન્ડામાં સાર્વજનિક શૂરાતન ચઢાવવું અઘરૃં છે. હાર્દિક પટેલે આ પ્રયોગ કર્યો હતો. પ્રારંભે સફળ રહ્યો, પરંતુ સફળતા લાંબી ચાલી નહિ. હાલ હાર્દિક મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં મોટી-મોટી વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં ખુદની સંસ્થા- 'પાસ'માં જ તેની કોઇ વેલ્યુ રહી નથી. તાજેતરમાં 'પાસ'નુું સંમેલન હાર્દિક વગર મળ્યું હતું અને જેમાં હાર્દિકના વ્યકિતગ એજન્ડાની ઝાટકણી કાઢવામાં આવી હતી.

વ્યકિતગત એજન્ડામાં ટોળાને જોડી દેવા એ કલા છે. આ કલામાં રાજકારણીઓ પાવરધા હોય છે. ડો. પ્રવીણભાઇ તોગડિયાએ 'બાંધી મુઠ્ઠી લખની' નીતિ જાળવી રાખવી જરૂરી હતી. ગઇકાલે ડોકટરે કહ્યું, જે હિન્દુત્વનું કામ કરશે તેને હું ર૦૧૯ની ચૂંટણીમાં ટેકો આપીશ ! ટેકો લેનારા ટોળુ જોઇને ટેકો લેવા મજબૂર બનતા હોય છે. ટોળુ ગાયબ છે. માંગ્યા વગર કોઇને ટેકો આપવો એ રાજકીય રમૂજથી વિશેષ કંઇ ન ગણાય.

આ સામે અમેરિકાના પ્રયોગો જુઓ. હળાહળ વ્યકિતગત સ્વાર્થ માટે આખી દુનિયાને યુદ્ધમાં હોમી દે છે. ઇરાકમાં સદ્દામનો ખાત્મો કર્યો, અફઘાનને વેરવીખેર કર્યું, હવે સીરિયા પર ત્રાટકે છે. વિશવની શાંતિના નામે વ્યકિતગ અને વ્યવસાયિક એજન્ડા અમેરિકા ચલાવે છે, પરંતુ ટોળુ સર્જવામાં તે સફળ રહે છે. બ્રિટન-ફ્રાન્સ જેવા અનેક દેશો ટોળામાં સામેલ થઇ જાય છે. જે દેશો ટોળામાં નથી ભળતા એ પણ અમેરિકા સામે અવાજ તો નથી જ ઉઠાવતા... ભારતની શેરીથી સીરિયા સુધી યુદ્ધ ચાલે છે, અમૂક સ્થાને રમૂજ જેવું છે અને અમૂક સ્થાને મહાવિનાશ...

(9:33 am IST)