Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

જનરલ ડાયર ગયા, ગુલામી રહી...

ભારતીયો રાષ્ટ્રીય બનવાને બદલે રાજકીય બની ગયા : સત્તાના છપ્પનભોગ દાબવા ઉપવાસના નાટક...

જયશ્રી કૃષ્ણ. આજે પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીની જન્મ જયંતિ છે. દરેક સ્થાને બને છે તેવું જ આ માર્ગમાં બન્યું છે. માર્ગ રહી ગયો અને માર્ગનો મૂળ હેતુ ખોવાઇ ગયો... છપ્પનભોગમાં અટવાઇ ગયેલા શ્રીમદ્ વલ્લભાચાર્યજીના મોટાભાગના વંશજો વિદૂરજીની ભાજીનું મહત્વ ભૂલી ગયા છે. બ્રહ્મસંબંધ આપે છે....શ્રીનાથજીબાવાને પ્રાર્થના કરીએ કે, માર્ગને 'સાચો માર્ગ' દેખાડવા કૃપા કરો.

ભારતમાં સૌથી મોટો છપ્પનભોગ રાજકારણીઓ આરોગી રહ્યા છે. આવતીકાલે દેશના ઇતિહાસનો કૃર દિવસ છે. ૧૩ એપ્રિલ ૧૯૧૯ના દિને માનવ રાક્ષસ જનરલ ડાયરના આદેશથી અમૃતસરના જલિયાવાલા બાગમાં નરસંહાર થયો હતો... નિર્દોષ શસ્ત્ર વીહિન ભારતીયોના લોહીની નદીઓ વહી હતી અને મૃતદેહોના ડૂંગરા સર્જાયા હતાં...

આઝાદીને સાત દાયકાઓ થયા છે. જનરલ ડાયરો ગુજરી ગયા છે. અંગ્રેજો ભાગી ગયા છે, પણ અફસોસ એ છે કે ડાયરના આત્માઓ ભારતમાં ભટકે છે અને ભારતીયોને ગુલામ રાખે છે.

આવા આત્માઓ કયારેક નેતાઓમાં તો કયારેક અધિકારીઓમાં અને વિવિધ હસ્તીઓમાં ઘુસી જાય છે. ભારતીયો ગુલામ માનસ ત્યાગી શકતા નથી, આ અબુધતાનો ભરપૂર ગેરલાભ લેવાઇ રહ્યો છે. સાવ ફાલતુ લાલુ સત્તામાં આવીને ભ્રષ્ટાચાર કરીને અધધધ સંપતિમાં આળોટે, કોર્ટ સજા કરે, આ માણસ વિલન તરીકે બદનામ થવો જોઇએ, પણ એ અને એમનો પરિવાર હીરો-હિરોઇન બનીને ફરે છે. અબૂધ લોકો તેની પાછળ પાગલ બને છે. ગજબ તો એ છે કે, પોતાને બુદ્ધિશાળી ગણાવતા મીડિયા લાલુ અને તેના પરિવાર પાછળ નૃત્ય કરી રહ્યા છે.

દરેક ક્ષેત્રે આવું જ છે. સલમાન ગુન્હેગાર જાહેર થયો, તેને વિલન તરીકે ચીતરવાને બદલે સલમાનને હીરો બનાવવા મીડિયા કથ્થક કરતા રહ્યા છે. લોકો પણ સલમાનો પાછળ દોડતા રહ્યાં છે.

આજે ભાજપી સાંસદો ઉપવાસ કરી રહ્યા છે. આ પહેલા કોંગીજનોએ આવું નાટક કર્યું હતું. ભાજપ-કોંગ્રેસને સંસદગૃહ કે દલિતો પ્રત્યે ખરેખર આદર હોય તો આવા નાટક કરવાને બદલે આમરણાંત ન પાણિયા ઉપવાસની ઘોષણા કરવી જોઇએ. નેતાઓને ખ્યાલ છે કે, અબૂધ લોકો પ્રતિક ઉપવાસમાં ભોળવાઇ જશે... આવા રાજકીય ઉપવાસો સત્તાના છપ્પનભોગ દાબવા જ થતા હોય છે.

ભારતીયો જનરલ ડાયર સહિતના અંગ્રેજોના આત્માની ગુલામીમાંથી મુકત થયા નથી. આ આત્માઓના પ્રભાવમાંથી મુકત થવા સમજદારી કેળવવી પડે... જે જાગૃત ન હોય તેને ઉજાસની જરૂર હોતી નથી.

(9:51 am IST)