Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વાહ નેતાગીરી : ખુદનું કલ્‍યાણ !

ખેડૂતોના દેવા પડતા મૂકીને કોંગી ધારાસભ્‍યોએ પોતાના ખજાના છલકાવ્‍યા : ભાજપે પણ શરમ મૂકીને સત્તાવાર લૂંટ ચલાવી

મોહન ભાગવતજી સંઘની આભા નીખારવા ગજબની મહેનત કરે છે. નરેન્‍દ્રભાઇ મોદી ભાજપને વધારે મજબૂત કરવા ર૦-ર૦ કલાક કામ કરે છે. બીજી બાજુ કોંગ્રેસને ફરીથી લોકપ્રિય બનાવવા રાહુલ ગાંધી એકલવીર બનીને પૂરી તાકાતથી મેદાનમાં આવ્‍યા છે. ઉચ્‍ચકક્ષાની નેતાગીરી વિચારધારાને-પક્ષને ચમકાવવા તનતોડ મહેનત કરે છે. બીજી તરફ નીચલા સ્‍તરની નેતાગીરી વિચિત્ર હરકતો કરે છે. પક્ષની આબરૂ વધારવાની બાબત તો ઠીક, જેટલી આબરૂ છે તેટલી પણ સાચવી શકતા નથી.

ગુજરાત અનેક પ્રશ્નોથી ઘેરાઇ ગયું છે. શાસકો અને વિપક્ષો પ્રશ્નો વધારી રહ્યા છે. સરકારના અમૂક સારા પગલાનો પણ વિપક્ષ વિરોધ કરીને પગલું અવરોધે છે, સરકાર પણ વિપક્ષને પાડી દેવા ધંધે લાગી છે. આ સ્‍થિતિમાં ગઇકાલે બંનેએ ઇલુ-ઇલુ કરીને પોતાનું કલ્‍યાણ કરી નાખ્‍યું. ધારાસભ્‍યોના રપ ટકા પગાર વધારો કરી લીધો...

સભાઓમાં સંવેદનનાના ગોકીરા કરી રહેલી સરકારને લોકો પ્રત્‍યે સંવેદના જાગવાને બદલે ખુદમાં સંવેદના જાગી. સારા ખરાબ દરેક મુદ્દે સરકારનો વિરોધ કરનાર કોંગ્રેસને પણ અચાનક સરકાર પ્રત્‍યે પ્રેમ ઉભરાઇ ગયો અને ગંજાવર પગાર વધારાને મંજૂરી આપી દીધી... ખેડૂતોના દેવા માફી જેવા ગતકડા લઇને ગૃહમાં અવરોધ સર્જનાર કોંગ્રેસે થોડીવાર ખેડૂતોને તડકે મૂકીને ખુદનો ખજાનો છલકાવી દીધો. ગુજરાતના ગરીબોના કલ્‍યાણના ગોકીરા કરનાર ભાજપી ધારાસભ્‍યોએ શરમ મૂકીને ગુજરાતના ખજાના પર લૂંટ ચલાવી અને ખુદનું કલ્‍યાણ કરી નાખ્‍યું.

દલાતરવાડીને પણ શરમ આવી જાય તેવા દૃશ્‍યો ગઇકાલે હતા. જેની પ૦૦૦ની પણ વેલ્‍યુ ન ગણાય તેવા નેતા-નેતી સવાથી દોઢ લાખ પગાર મેળવશે. જોકે લોકશાહી પદ્ધતિમાં ધારાસભા જે નિર્ણય કરે એ સ્‍વીકારવો ફરજિયાત હોય છે.

હવે ધારાસભ્‍યો ધરાઇ ગયા હોય તો વાસ્‍તવમાં ગુજરાતના કલ્‍યાણ તરફ આગળ વધવું જોઇએ. એક કોંગી ધારાસભ્‍યએ કહ્યું કે, ‘ખેડૂતોને લાભ નહિ મળે ત્‍યાં સુધી પગાર વધારો નહિ લઉં...' આ વિચિત્ર છે. ટોળાથી અલગ પડવાના આ કીમિયા ઘણા કરતા હોય છે. ખેડૂતોને કેટલો લાભ કેવો લાભ તે અંગે સભ્‍યશ્રીએ સ્‍પષ્‍ટતા કરવી જોઇએ. બીજી મહત્‍વની બાબત એ છે કે, ધારાસભ્‍યો કોઇ વર્ગના પ્રતિનિધિ નથી. એ વિસ્‍તારના પ્રતિનિધિ હોય છે. કોઇ વર્ગને પ્રેમ કરવાને બદલે પોતાના સમગ્ર વિસ્‍તારને પ્રેમ કરવો જરૂરી હોય છે. ધારાસભ્‍યમાં ત્રેવડ હોય તો એવો સંકલ્‍પ કરવો જોઇએ કે, મારા વિસ્‍તારમાં ગુન્‍હાખોરી દૂર નહિ થાય ત્‍યાં સુધી પગાર વધારો જ નહિ, પગારનો એક રૂપિયો પણ નહિ લઉં...

રાજકારણીની જમાત ખુદનું અને ખુદના પક્ષનું કલ્‍યાણ કરી રહી છે. ગુજરાતીઓમાં વ્‍યાપક જાગૃતિ આવે તો જ ગુજરાતનું કલ્‍યાણ શકય બનશે. નહિ તો ગરીબોના-મધ્‍યમ વર્ગના ખર્ચે રાજકારણીઓની ખજાના છલકતા રહેશે.

(11:26 am IST)