Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

-તો વેપારીના દેવા પણ માફ કરો...

નુકસાની સમયે ખેડૂતોના દેવા માફી સામે વાંધો નથી, પરંતુ વ્‍યાપારીનો શું વાંક ?: રાજકારણનો ધંધો હવે એકતરફી નહિ ચાલે

પેટ્રોલના ભાવ બેફામ વધી રહ્યા છે. સદી ફટકારવા તરફ આગળ વધી રહ્યા છે. મોદી સરકાર લોકરોષ વહોરી રહી છે. વિપક્ષ આ મુદ્દાને મુખ્‍ય મુદ્દો બનાવતી નથી એ મોટું આર્ય છે. કોંગ્રેસે એક દિવસ ભારત બંધનું એલાન આપ્‍યું, રેલીઓ કાઢી. લોકોનો સ્‍વયંભૂ સહયોગ પણ મળ્‍યો. બંધ મોટાભાગે સફળ થયું, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું અટકયું નહિ. કમાલ એ છે કે કોંગ્રેસે મુદ્દો બદલાવી નાખ્‍યો !

મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસે ર૦૧૯ની ચૂંટણી માટે ખેડૂત વર્ગને ટાર્ગેટ કરવા રાષ્‍ટ્રીયસ્‍તરે રણનીતિ ઘડી છે, જેનો અમલ ગુજરાતમાં શરૂ પણ થઇ ગયો છે. ખેડૂતોના દેવા માફ કરવા મામલે કોંગ્રેસે ધારાસભામાં ધમાલ કરી.

ભારતમાં ખેડૂતો પરેશાન છે અને વાત સાચી છે. તેની મુશ્‍કેલીને વાચા મળવી જ જોઇએ, પરંતુ લાંબાગાળાનો અનુભવ છે કે, મુશ્‍કેલીનો રાજકીય લાભ જ લેવાય છે. અહીં થોડો જુદો મુદ્દો ચર્ચવો છે. કૃષિક્ષેત્રની જેમ વ્‍યાપારક્ષેત્રને શા માટે વાચા ન મળે ? કૃષિક્ષેત્રે નુકસાની થાય તો તેના દેવા માફ કરવા રાજકીય જંગ ખેલાય અને દેવા માફ પણ થઇ જાય. આ સામે વાંધો હોય જ નહિ, પરંતુ સવાલ એ છે કે, વ્‍યાપારીનો વાંક શું ? વેપાર કરવો એ પાપ નથી. વ્‍યાપારીને ખોટ આવે તો તેના દેવા શા માટે માફ થતા નથી ? આ માટે કેમ કોઇ પક્ષ અવાજ ઉઠાવતું નથી.

કૃષિક્ષેત્ર પર આવકવેરો અન્‍ય અનેક સરકારી સુવિધાઓ છે. આ ક્ષેત્ર પણ હવે પ્રોફેશનલ થઇ ગયું છે. વ્‍યાપારીને વેરાના ભયાનક બોજ છે. રાહતદરની લોન પણ ઉપલબ્‍ધ નથી. મોલની સામે હરીફાઇમાં જીતવાનું છે અનેક જોખમો ઉઠાવવાના છે. નિષ્‍ઠાપૂર્વક પ્રયત્‍ન કર્યા પછી પણ ધંધો નિષ્‍ફળ જાય તો તે દેવા માફીના હક્કદાર ન બને ?

રાજકારણીઓને મોટા ટોળામાં રસ હોય છે. કમાલ એ છે કે, ખેડૂતો કરતા વ્‍યાપારીઓની સંખ્‍યા વધારે છે. છતાં રાજકારણીઓએ આ દિશામાં કયારેય વિચાર્યું નથી. કર્મચારીઓ-ખેડૂતોના મુદ્દે કાયમ રાજનીતિ ચાલે છે, વ્‍યાપારીઓ પાસે મહાકાય સંગઠનો હોવા છતાં તેની મુશ્‍કેલી અંગે રાજનીતિને રસ પડતો નથી. આ બાબત વ્‍યાપારી સંગઠનોને ખુચતી નથી ?

દેવા માફ થાય એ કોઇ રાજકારણીના ખીસ્‍સામાંથી રકમ જતી નથી. દેશની રકમ છે. આ મૂડી વ્‍યાપારીઓ જે વેરા ભરે છે તેમાંથી સર્જાય છે. રાજકીય દૃષ્‍ટિકોણથી ખેડૂતોના દેવા અંગે અવાજ ઉઠતો રહે અને દેવા માફ થતા રહે એ રાષ્‍ટ્રની મૂડી છે. આ મૂડી પર સમાન અધિકાર હોય છે. વ્‍યાપારીને તેનો લાભ કેમ મળતો નથી ?

ચેમ્‍બર ઓફ કોમર્સ જેવી સંસ્‍થાઓએ આ અંગે અવાજ ઉઠાવવો જોઇએ. જોકે આ તો બે ક્ષેત્રોની વાત થઇ, પરંતુ વાસ્‍તવિકતા જુદી છે. યુગ પ્રોફેશનલ છે. દેવા માફી જેવી બાબતો રાષ્‍ટ્રને અર્થતંત્રને અવરોધક છે. નક્કર આયોજન-સૂઝ-સમજ અને ટેકનોલોજી સાથે પૂર્ણપણે તાલમેલ મીલાવીને જ ધંધો કે ખેતી કરવા જરૂરી છે. મૂડીવાદ બાજુ ઢળી રહેલા અર્થતંત્રનો મૂળ નિયમ એ છે કે- નફામાં કોઇ ભાગીદાર નથી તેમ તમારી ખોટ પણ ખુદે જ ભોગવવાની હોય છે છતાં દેવા માફ કરવા હોય તો દરેકના દેવા માફ થવા જોઇએ.

(11:01 am IST)