Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ખાખી પર ફકીરીનો રંગ...

ફકરી બનીને પોલીસે ઓપરેશન કર્યું, અભિનંદનીય કાર્ય : ખાદી કપડું ન નડે તો ખાખી પરાક્રમી બની શકે

રાજકોટમાં પાણી કાપ ઝીંકાવાનો હતો, પરંતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંગત રસ લઇને કાપ દૂર કરાવ્યો. આ સમાચાર ગૌરવવંતા ગણાય, પ્રદેશમાં ગોઠવાયેલા રાજકોટના નેતૃત્વએ રાજકોટની ચિંતા કરી. વિજયભાઇને અભિનંદન. થોડો દૃષ્ટિકોણ બદલીને ચિંતન કરીએ તો પાણી વિતરણ જેવા પ્રશ્નો લોકલ લેવલના ગણાય. મેયર-મહાપાલિકાના કમિશનર જેવા એ આ અંગે ઉજાગરા કરવાના હોય. મુખ્યમંત્રીની જવાબદારી મોટી હોય છે, જેમણે સમગ્ર ગુજરાતની ચિંતા કરવાની હોય છે. લોકલ નેતાગીરી દમ વગરની હોય તો મોટા નેતાએ ફાલતુ પ્રશ્ને સક્રિયતા દાખવવી ફરજિયાત બને છે. ભાજપ મોવડીએ આ અંગે ચિંતા કરવી જરૂરી છે.

જોકે, લોકોના કામ કરવામાં તંત્રને રાજકારણીઓ વધારે અડચણરૂપ થતા હોય છે ઘણા અધિકારીઓ-કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તૈયાર હોય છે, રાજકીયક્ષેત્ર તેમને ન નડે તો ઉત્તમ કામ કરી દેખાડે છે. તાજેતરમાં રાજકોટ પોલીસે ફકીરનો વેશ ધારણ કરીને મોટી માત્રામાં ગાંજો ઝડપ્યો. નશાનું મોટું નેટવર્ક ભેદાઇ રહ્યું છે. આવા ઓપરેશનો સરળ હોતા નથી. ગાંજાની હેરાફેરી કરનારા તત્વો પાસેથી ઘાતક શસ્ત્રો પણ ઝડપાયા છે. પોલીસે જીવના જોખમે ઓપરેશન પાર પાડયું છે. આ કાર્યવાહી અભિનંદનીય છે.

ગુન્હાખોરી જેવા મુદ્દે રાજકીય અડચણ ન હોય તો પોલીસ અસામાજિકોને પાતાળમાંથી ઝડપવાની ક્ષમતા ધરાવે છે. ગેરકાયદે ઓટો તૂટે તેમાં પણ રાજકારણીઓ સક્રિય બની જાય અને તંત્રને અડચણરૂપ બને તો કામ કેમ થાય ?

રાજકોટમાં પાણી વિતરણ જેવા મામલે સક્રિય બનેલા મુખ્યમંત્રીએ રાજકોટ-સૌરાષ્ટ્રની ગુન્હાખોરી તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ઘાતક ગુન્હાઓનું બેફામ વધી ગયું છે. મોટાભાગે રીઢા તત્વો સાથે નાના-મોટા રાજકીય માથાઓને સંબંધ હોય છે આવા તત્વો છટકી જાય છે. કાયદો-વ્યવસ્થા જાળવવી એ રાજય સરકારની પાયાની જવાબદારી ગણાય. પહેલી સક્રિયતા તો એ જરૂરી છે કે, ગુન્હાખોરો સાથે ઇલુ-ઇલુ કરતા નેતા-નેતીઓને કાબૂમાં રાખવા. બીજી સક્રિયતા એ હોવી જોઇએ કે, તંત્રમાં જે સડો છે તેને દૂર કરવો. દરેક અધિકારી-કર્મચારી નિષ્ઠાપૂર્વક કામ કરતા નથી. આવા અનિષ્ઠોને સાફ કરવા. ત્રીજી મહત્વની સક્રિયતા એ બનાવી જોઇએ કે, ગુન્હાખોરી ડામવા સંનિષ્ઠ તંત્રને છૂટોદોર આપવો. ઓટલો તૂટે અને નેતુ સક્રિય બની જાય એ સ્થિતિ શોભાસ્પદ ન જ ગણાય.

વિજયભાઇએ રાજકોટનો પાણી કાપ દૂર કરાવીને પ્રસંશનીય કામ કર્યું છે, મુખ્યમંત્રીએ એ ઘોષણા પણ કરવી જોઇએ કે, રાજકોટ-સૌરાષ્ટ્રમાં હવે ગેરકાયદે દારૂનું ટીપું પણ નહિ મળે... આ માટે સરકાર ઉજાગરો કરીને નેટવર્ક ભેદી નાખશે... દારૂનો નશો પણ ગાંજા જેટલો જ ભયાવહ છે. રાજકોટ પોલીસે ફકીરીનો રંગ દેખાડીને કમાલ કરી છે. ખાદી કપડું ખાખી પર હાવી ન થાય તો ઐતિહાસિક પરાક્રમો શકય બની શકે.

(9:36 am IST)