Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વિકાસ દોઢ ડાહ્યો ન થવો જોઇએ !

ભારત બંધ મુદ્દે સરકાર કહે છે, વિપક્ષ વિકાસનું ગળું ઘોંટે છેઃ હકીકત એ છે કે, સરકારી વિકાસે લોકોને ગળાટૂંપો દીધો છે...

સર્વોદયના ભેખધારી ભૂમિદાનના હિમાયતી આચાર્ય વિનોબા ભાવેની આજે જન્મ જયંતી છે. વિનોબા જેવી વિભૂતિઓએ જનવિશ્વાસ પેદા કરીને કમાલ કરી હતી. વિશ્વાસના આધાર પર સર્જાયેલું નેતૃત્વ તાકાતવર બને છે. વિનોબા ભાવે અપીલ કરતા અને જમીનદારો જમીન દાન કરી દેતા હતાં... ભારતનું વર્તમાન નેતૃત્વ જનવિશ્વાસને બદલે જનને ભ્રમમાં નાખીને પેદા થાય છે. સત્તા મળ્યા બાદ આવા નેતાઓને લોકો સાથે કંઇ લેવા-દેવા હોતા નથી. શાસક અને વિપક્ષ લોકોને ભ્રમમાં રાખવાની સ્પર્ધા કરે છે.

ગઇકાલે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન અપાયું હતું. મીડિયામાં આ લડતા આખો દિવસ છવાયેલી રહી. કેન્દ્રિય પ્રધાનો સતત નિવેદન કરતા રહ્યા કે, વિપક્ષ વિકાસનું ગળું ઘોંટી રહ્યો છે. વાસ્તવમાં લોકપ્રશ્ને કોંગ્રેસે ઘણાં વર્ષ બાદ સક્રિયતા દાખવી છે. ભાજપીઓ સતત વિકાસ  -વિકાસના જાપ જપ્યે રાખે છે, પરંતુ કયારેય વિકાસની વ્યાખ્યા સ્પષ્ટ કરાઇ નથી. વર્તમાન સમયની વિકાસ નીતિ સામાન્ય ભારતીયનું ગળું ઘોંટી રહી છે.

ગુજરાત ધારાસભાની ચૂંટણી સમયે 'વિકાસ ગાંડો થયો' અભિયાન ખૂબ ચાલ્યું હતું. સરકાર વિકાસને ડાહ્યો સાબિત કરવા મથતી હતી. વિકાસનો વિરોધ ન થવો જોઇએ, પરંતુ વિકાસની વેલ્યુ માણસ કરતા વધવી ન જોઇએ. ભાજપીઓ દ્વારા સર્જાતા વિકાસ દોઢ ડાહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં વિકાસ કાર્ય લોકો માટે હોવું જોઇએ, લોકોના ભોગે નહિ. વિકાસના નામે અર્થતંત્ર કપરું બની ગયું છે. મોંઘવારીનો ભરડો લોકોના શ્વાસ રૃંધી રહ્યો છે. સામાન્ય નાગરિકોની  સુખાકારીમાં વધારો થવો તો દૂરની બાબત છે, તેમના અસ્તિત્વ પર ખતરો સર્જાઇ રહ્યો છે. આવા વિકાસનો કોઇ અર્થ ખરો ?

સામાન્ય માણસના પ્રવર્તમાન જીવનમાં કોઇ તકલીફ ન પડે, સુખાકારી ન વધે તો કંઇ નહિ, દુખાકારી વધવી ન જોઇએ... આ બાબત વિકાસની પ્રથમ શરત હોવી જોઇએ.

જો કે, માત્ર ભાજપ જ નહિ, કોઇ પક્ષ પાસે સામાન્ય લોકો કેન્દ્રિત વિકાસની નીતિ નથી. નેતા-નેતીના વ્યકિતગત વિકાસ અને દેશના વિકાસની તુલના કરો. દેશ ગરીબ જ રહ્યો છે. અને નેતા સમાજ ઝાકમઝોળ વચ્ચે લખલૂંટ સંપત્તિમાં આળોટી રહ્યો છે. આવા વિકાસનો કંઇ અર્થ ખરો ?

વર્તમાન નેતાગીરી કોઇ નિર્ણય હિંમતપૂર્વક લઇ શકતી નથી, કારણ કે લોકોની તેમને બીક લાગે છે. જનવિશ્વાસના આધારે નેતાગીરી સર્જાઇ હોય તો તેમને લોકોની બીક હોતી નથી. વિનોબાની એક હાકલથી લોકો જમીનનો ત્યાગ કરી દેતા. આજે વિકાસ માટે જમીન  સંપાદન કરવામાં સરકારને ફીણ આવી જાય છે. વિકાસ લોક કેન્દ્રિત બને તો લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થાય, તકલીફ એ છે કે, લોકોનું જે થવું હોય તે થાય, અમે વિકાસ કરીશું... આવી નીતિ અમલમાં છે.

(9:28 am IST)