Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ભાનમાં આવી ગયા ખાન-ખાના !

અસહિષ્‍ણુતાના ગોકીરા કરીને રાજનીતિને પરોક્ષરૂપે પ્રભાવિત કરનાર આમીર કહે છે, રાજનીતિથી મને ડર લાગે છે : દાનત ખોરી હોય તેને ડર લાગવો જ જોઇએ

ગઇકાલે વિશ્વકર્માદેવની મહાપૂજાનો દિન હતો. ગઇકાલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો જન્‍મદિન પણ હતો. વિશ્વકર્માદેવનું કાર્ય નિર્માણનું છે. વર્તમાન ભારતના નવનિર્માણની જરૂરત છે. વિશ્વકર્માદેવને પ્રાર્થના કરીએ કે, રાષ્‍ટ્રના નવનિર્માણ માટે ઉર્જા વહાવો.

નિર્માણકાર્ય તો ચાલે જ છે, પરંતુ અડચણોનો પાર નથી. રાષ્‍ટ્રીય સ્‍તરે મોદિત્‍વના ઉદય થયો ત્‍યારે હજુ તો સરકાર રચાયાને છ મહિના પણ થયા ન હતા ત્‍યાં કહેવાતી બૌદ્ધિક જમાતના શ્વાસ રૂંધાવા લાગ્‍યા હતા. યાદ કરો ફિલ્‍મી કલાકાર આમીર ખાને દેશ અસહિષ્‍ણુ બની ગયાના દેકારા મીડિયા પડદે આદર્યા હતા. દેશ કહેવાતી બૌદ્ધિ જમાત સાહિત્‍યકારો-કલાકારો આ ગોકીરામાં સામેલ થયા. દેશભરમાં સરકારની એવોર્ડ વાપસીનો ટ્રેન્‍ડ ચાલ્‍યો હતો. પૂરા દેશને અસહિષ્‍ણુ દેખાડવાની આમીરની ઝૂંબેશે રાજનીતિને પરોક્ષરૂપે પ્રભાવિત કરી હતી.

એ ઝુંબેશને ચારેક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ચાર વર્ષ પૂર્વેની અને આજની દેશની સ્‍થિતિમાં કોઇ નિર્ણાયક પરિવર્તન નથી થયું. વિવાદો-હિંસા થોડા વધ્‍યા છે, પરંતુ આર્ય એ છે કે, આમીર ખાનને આજનો દેશ અસહિષ્‍ણુ લાગતો નથી ! ગઇકાલે આમીરે કહ્યું કે, ‘હું રાજનીતિથી ડરું છું, તેમાં જવા માંગતો નથી.' આવી કહેવાતી હસ્‍તીઓ સામે મીડિયાએ સવાલ કરવા જોઇએ કે, તમારી અસહિષ્‍ણુતાનું શું થયું ?

વાસ્‍તવમાં આમીરોની દાનત સરકારને બદનામ કરીને પરોક્ષરૂપે રાજનીતિ ખેલવાની હતી. આ જમાતો રાજકીય હાથા બની હતી. આમીરને અન્‍ય ફિલ્‍મી ખાનખાનાઓનો પણ ટેકો મળ્‍યો હતો, પરંતુ આ ઝુંબેશ બાદ પોતાની ફિલ્‍મો નિષ્‍ફળ જવા લાગતા જમાત જાગૃત થઇ ગઇ. દેશની દશા થોડી વધારે બગડી છે છતાં હવે તેને દેશ અસહિષ્‍ણુ લાગતો નથી. આવા તત્‍વો માટે દેશ કરતા ધંધો મહાન હોય છે.

ગઇકાલે આમીરે રાજનીતિ અંગે જે કંઇ કહ્યું તે અમથું નથી કહ્યું. ફિલ્‍મી નવરાશમાં ધંધો કરવા આમીર ટીવી તરફ વળ્‍યો છે, ‘સત્‍યમેવ જયતે' શો ફરી શરૂ થવાનો છે. હવે પોતાની આભા સુધારવા અને પ્રસિદ્ધિ લેવા રાજનીતિક ડરની વાત કરી છે. વાસ્‍તવમાં જેમની દાનત ખોરી હોય તેમને ડર લાગવો જ જોઇએ.

દેશમાં આવા અસંખ્‍ય ખાનખાનાઓ છે, જે રાષ્‍ટ્રના નવનિર્માણમાં બેધક બને છે. જોકે આવા તત્‍વોને હવે લોકો પણ ઓળખવા લાગ્‍યા છે. ખોરી દાનતથી રાજનીતિને પ્રભાવિત કરવા નીકળેલા આમીરો-શાહરૂખોની ફિલ્‍મો પીટાવા લાગી એ બાબત દર્શાવે છે કે, ભારતમાં જાગૃતિનો સંચાર થાય છે. ધંધામાં નુકસાન જતાં ખાનખાનાઓ ભાનમાં આવી ગયા. આ જમાતને પણ ખ્‍યાલ છે કે, ભારત જેટલી પ્રસિદ્ધિ, પૈસા, પ્રતિષ્‍ઠા કયાય મળે તેમ નથી. આ જમાતને કોઇ દેશ સાચવે તેમ પણ નથી. સફળતાના નશામાં ભાન ભૂલીને દેશને ભાંડવા માંડે તેને વાસ્‍તવિકતાનું ભાન કરાવવું એ દેશવાસીઓની ફરજ છે. આ દિશામાં વ્‍યાપક સમજ-જાગૃતિ જરૂર છે. રાષ્‍ટ્રનું નવનિર્માણ કરવું હોય તો આવી જમાતો કાબુમાં રહેવી જોઇએ.

(10:36 am IST)