Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

માલ્યા માટે બેહુદુ કથ્થક !

સરકાર-વિપક્ષ-CBI -બેંક... સામૂહિક નૃત્યોત્સવ : 'સબકા સાથ, સબ કા વિકાસ'માંથી લૂંટારાને બાદ રાખો

રાજકીય સેટિંગ થવા લાગ્યા છે. ગઇકાલે ઇન્દોરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મસ્જિદમાં પહોચ્યા હતા. ત્યાં જઇને નિવેદન કર્યું કે, લઘુમતીઓ માટે યુપીએની તુલનામાં અમે ર૦ ટકા  વધારે ખર્ચ કર્યો છે. દરેક નેતા દરેક પક્ષ નવી વોટબેંક શોધવા ફાંફા મારે છે. રાહુલ હિન્દુ મતોમાં ફાચર મારવા ડુંગરા ચઢે છે, મોદીજી લઘુમતીઓને રીઝવવા સક્રિય છે. સપા-બસપા મુસ્લિમ-યાદવ સમીકરણ માટે માથા પછાડે છે. હાર્દિક અન્ય નેતાઓ જ્ઞાતિવાદ કરીને વજન વધારવા ઇચ્છે છે.. નેતા સમાજ વોટબેંક માટે મરણિયો બન્યો છે, લૂંટારાઓ ખુલ્લેઆમ બેંક લૂંટીને ફરાર થઇ જાય છે.

દેશનું હજારો કરોડનું કરી નાખીને વિજય માલ્યાઓ વિદેશમાં જલ્સા કરે છે. આવા ગુન્હેગારો માટે દેશની તાકાતો કથ્થક કરે છે. ખુદ નાણાપ્રધાન અરૂણ જેટલી શંકાના દાયરામાં આવી ગયા છે. માલ્યાના આક્ષેપ બાદ જેટલીએ કબૂલાત પણ આપી કે, હું તેમને મળ્યો હતો...

બીજી બાજુ વસીમ રીઝવીએ પણ સનસનાટી મચાવી છે કે, રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદે વિજય માલ્યા પર કાર્યવાહી ન કરવા દબાણ કર્યું હતું. ત્રીજી બાજુ સીબીઆઇએ કબૂલ્યુ કે, માલ્યા અંગે લૂક આઉટ નોટિસ આપવામાં અમારી ભૂલ થઇ ગઇ હતી. ચોથી બાજુ સનસનાટીખેજ આક્ષેપ થયો કે, માલ્યા ભાગવાના છે તેની સીબીઆઇને ખબર હતી...

સરકાર-વિપક્ષ-સીબીઆઇ અને બેંક... આ બધા જ તાકાતો શંકાના દાયરામાં આવી ગઇ છે. આ શકિતશાળીક્ષેત્રો માલ્યાઓ માટે કથ્થક કરતા હતા. હાલમાં પણ એક-બીજા પર આક્ષેપો કરે છે, પરંતુ પોતાનું શુદ્ધિકરણ સ્પષ્ટ કરતા નથી. પોતે ગંદા છે અને એક-બીજા પર કાદવ ઉછાળે છે.

માલ્યાનો મુદ્દો આવે ત્યારે મોદી સરકાર રટણ કરવા લાગે છે કે, યુપીએ સરકારે ગેરકાયદે લોનની લ્હાણી કરી હતી... માનો કે આ વાત સાચી હોય તો મોદી સરકાર આવા તત્વો સામે પગલા કેમ નથી લેતી ? પ્રાથમિક ચિંતનનું તારણ એ નીકળે છે કે, આવા માલ્યોઓથી દેશને બચાવવામાં કોઇને રસ નથી. માલ્યા મુદ્દો સળગે તો બધી શકિતઓ દાઝી જાય તેમ છે.

મોદી સરકારે 'સબ કા સાથ, સબ કા વિકાસ' સૂત્ર આપ્યું હતું. સબ શબ્દનો ગુજરાતી અર્થ તમામ થાય છે. આપણને ખબર ન હતી કે, લૂંટારા માલ્યાઓનો પણ સાથ લેવાશે અને તેનો વિકાસ પણ થશે. આવા આલ્યા-માલ્યા વિદેશમાં અટ્ટહાસ્ય કરે એ દેશની શરમ ગણાય. બેંકો અને સરકારી ખજાના લૂંટાઇ રહ્યા છે અને મહાશકિતઓ વોટબેંક બચાવવા-સર્જવા માટે ઉંધા માથે છે.

માલ્યા મામલે દેશમાં ચાલતો કથ્થક નૃત્યોત્સવ બેહુદો લાગે છે. આવા નૃત્ય લોકોનો ભરોસો તોડી રહ્યા છે. માથા પર લોકસભાની ચૂંટણી ગાજે છે. મોદીજી, અરૂણભાઇઓની દવા કરીને માલ્યાઓને ઉઠાવી લાવો તો ભરોસો અકબંધ રહેશે.

(11:56 am IST)