Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

વિવિધ બ્રાન્ડનું હિન્દુત્વ તૈયાર !

મમતાની દુર્ગાપૂજા, અખિલેશનું વિષ્ણુ મંદિર, રાહુલની શિવભકિત... બિનસાંપ્રદાયિકતાના સ્થાને સાંપ્રદાયિક દંભની ફેશન

II વક્રતુન્ડ મહાકાય સૂર્યકોટિ

 

સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ

સર્વકાર્યેષુ સર્વદા II

ગણપતિ મહારાજના ઉત્સવનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. હિન્દુ પરંપરામાં પ્રથમ સ્થાન વિઘ્નહર્તાનું છે. ગણેશ ચતુર્થીએ રિદ્ધિ-સિદ્ધિના દેવને દંડવત કરીને આગળ વધીએ.

હિન્દુ સમાજ સામે વિચિત્ર વિઘ્ન આવ્યું છે. સવા અબજની વસ્તી ધરાવતા દેશમાં ૧૦૦ કરોડ હિન્દુઓ છે. અત્યાર સુધી રાજનૈતિક ક્ષેત્રે હિન્દુઓને ગાળો આપનારાનો તૂટો નહતો.  હિન્દુ આતંકવાદ જેવા વિશેષણોથી નવાજનાર વિભૂતિઓ પણ હવામાં ઉડતી હતી. ૧૮ ટકા લઘુમતીઓના મત મેળવવા ૮ર ટકા હિન્દુઓને રાજકીય અન્યાય કરવાની ફેશન ચાલતી હતી. લઘુમતીઓના મત માટે આતંકી અને તેના સમર્થકોની તરફેણ કરવામાં પણ આ તત્વને શરમ આવતી ન હતી.

દેશમાં મોદિત્વના ઉદય બાદ તેની સરકારે શું કર્યું ? આ મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાનો છે, પરંતુ એક બાબત નિશ્ચિતરૂપે કરી દેખાડી કે કહેવાતી બિનસાંપ્રદાયિક જમાતનું ભેજુ ઠેકાણે લાવી દીધું છે. હિન્દુ આતંકવાદ જેવા શબ્દો વાપરનારા તત્વો મંદિરોમાં હડિયું કાઢવા લાગ્યા છે. રાષ્ટ્રીય રાજનીતિના પાયાના સમીકરણો વેરવીખેર થઇ ગયા છે. હિન્દુ મતદારોને ખુશ કરવા રાજકારણીઓ ચોટીલાથી હિમાલય સુધીના ડુંગરા ચઢવા લાગ્યા છે.

કલ્પના પણ ન થઇ શકે તેવા નેતાઓ હિન્દુ સમાજને રીઝવવા કથ્થક કરવા લાગ્યા છે. બાંગ્લાદેશી મુસ્લિમો માટે મરી ફીટવા તૈયાર ડાબેરીઓ અને મમતા બેનરજીએ હિન્દુત્વ તરફ વળવું પડયું છે. એક સમયે દુર્ગાપૂજા પર પ્રતિબંધાત્મક આદેશો આપનારી મમતા સરકારે આ વર્ષે દુર્ગાપૂજાના દરેક પંડાલોને રૂ. ૧૦-૧૦ હજાર આપવાની ઘોષણા કરવી પડી છે.

બીજી બાજુ ઉત્તરપ્રદેશના સમાજવાદી નેતા અખિલેશ યાદવે વિષ્ણુ મંદિર નિર્માણ કરવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાને શિવભકત ગણાવીને મંદિરોમાં જવા લાગ્યા છે એટલું જ નહિ તાજેતરમાં કૈલાસ-માન સરોવરની યાત્રા કરી આવ્યા, જેની ભરપૂર પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કર્યો હતો.

અત્યાર સુધી આર.એસ.એસ. હિન્દુવાદી ગણાતો. તેની પાંખ જેવો ભાજપ ચૂંટણી સમયે હિન્દુવાદી બની જતો. મોદિત્વનો ઉદય હિન્દુ મતદારોની જાગૃતિના કારણે થયો છે અને હાલના સત્તાકાળના છેલ્લા સમયે પણ આ નેતૃત્વ અડગ છે. મોદિત્વને ઝૂકાવવા દંભી બિનસાંપ્રદાયિકોએ લઘુમતીવાદ પડતો મૂકીને હિન્દુ તરફદાર બનવું પડયું છે. તકલીફ એ છે કે-રાજનીતિની બજારમાં વિવિધ બ્રાન્ડના હિન્દુત્વ ઉપલબ્ધ થવા લાગ્યા છે. મમતા બ્રાન્ડ, રાહુલ બ્રાન્ડ, અખિલેશ બ્રાન્ડ, ડાબેરી બ્રાન્ડ..

આ જમાત ડબલ ગેમ ખેલે છે. હિન્દુઓના મત મેળવવા પ્રયાસ કરે છે, બીજી બાજુ દલિત-સવર્ણનો વિવાદ સર્જીને મત-સમૂહમાં ફાટા પણ પડાવે છે. આ બંને વિઘ્નોમાં હિન્દુ સમાજને સાચો માર્ગ દર્શાવો, તેવી વિઘ્નહર્તા દેવને પ્રાર્થના...

(10:24 am IST)