Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કાવાદાવા અનરાધાર, સમજનો દુકાળ !

સંસદમાં ધમાલોત્સવ : વિશ્વાસ, અશ્વિાસ અને અતિ વિશ્વાસનો ખેલ : દેશ નહિ, પક્ષ મહાન!

આજે કરાટેના શહેનશાહ બ્રુસલીની પુણ્યતિથિ છે. તેઓનું અવસાન ૧૯ જુલાઇ ૧૯૭૩ના દિને થયું હતું. બ્રુસલી કલાકૌશલ્યના સંગાથે કમાલ કરી હતી. આજે પણ તેના આશિકો ઓછા નથી.

ભારતના રાજનેતાઓના બાવળા મજબૂત નથી, પરંતુ કાવાદાવા કરીને ભલભલા બ્રુસલીને પાડી દેવાની ક્ષમતા ધરાવે છે. મોટાભાગના રાજનેતાઓ કાવાદાવાના નિષ્ણાત છે આવા વીરોનો મેળો લોકસભામાં ભરાય છે. લોકશાહીના આધાર સમાન ગૃહને દેશી બ્રુસલીઓએ અખાડા જેવું બનાવી દીધું છે. ગઇકાલથી શરૂ થયેલા ચોમાસુસત્રમાં પહેલા જ દિવસે ખેલ શરૂ થઇ ગયા હતા. ચોમાસુ સત્રમાં કાવાદાવા અનરાધાર વરસ્યા હતાં અને સમજદારીનો દુષ્કાળ ઉભરી આવ્યો હતો.

રાજકારણીઓના ટોળા પાસે ભારતીયોને બહુ આશા નથી, પરંતુ માથા પર લોકસભાની ચૂંટણી ગાજતી હોવાથી રાજકીય પક્ષો સમજદારીનું નાટક કરશે તેવો ખ્યાલ હતો, પરંતુ એ આશા પર ફળી નથી. ધમાલ મચી હતી.

વિશ્વાસ-અવિશ્વાસ અને અતિવિશ્વાસના ખેલ ખેલાયા હતા. રાજકીય પક્ષો રાષ્ટ્રહિતને બદલે પક્ષના હિતને પ્રાધાન્ય આપે છે તેથી લોકોનો વિશ્વાસ તૂટ્યો છે. વિપક્ષે ખાસ કરીને ટીડીપીએ સરકાર સામે અવિશ્વાસ દાખલ કર્યો, જેનો સ્વીકાર થતા આ ખેલ લાંબો ચાલશે. બીજી બાજુ સરકાર વધારે પડતો આત્મવિશ્વાસ દાખવી રહી છે. આ ત્રણે સ્થિતિ દેશના હિતમાં નથી. વ્યકિતગત તથા પક્ષીય વાંધાના કારણે ગૃહ વિવાદોનો અડ્ડો બની ગયું છે. આ મંચ પર રાષ્ટ્રીય મુદ્દાઓનું સમજદારીપૂર્વક દેશના હિતમાં ચિંતન થવું જોઇએ, આવુ કરવાને બદલે કાયમ ફાલતુ વિવાદોના કાવાદાવા રચીને દેશી બ્રુસલીઓ એક-બીજાને પાડી દેવા દાવ ખેલે છે.

દેશમાં આંતરિક અને બાહ્ય અનેક પડકારો મોં ફાડીને ઉભા છે. આ સામે રાજકારણીઓએ સંયુકત લડત લડીને દેશને મજબૂત કરવાનો હોય છે, તેને બદલે રાજકારણીઓ પોતાને મજબૂત કરવા ગૃહનો ઉપયોગ કરે છે. સાંસદોની સમજ ખૂબ ટૂંકી છે. સાંસદ ઉમેદવાર હોય ત્યારે જે તે પક્ષના નેતા ગણાય, ચૂંટાયા બાદ તે સાંસદ બને છે. જે તે વિસ્તારનો લોકસભાનો સભ્ય બને છે. ગૃહમાં જે તે પક્ષનો ઝંડો પકડીને જવાનું નથી. પક્ષનું કે ખુદનું નહિ, પોતાના વિસ્તાર અને રાષ્ટ્રના કલ્યાણ માટે સક્રિય રહેવાનું હોય છે.

લોકપ્રતિનિધિઓની આવી સમજના અભાવે દેશને પારાવાર નુકસાન વેઠવું પડે છે. અવિશ્વાસ અરજી મંજૂર થઇ ગઇ છે. રાષ્ટ્રીય પ્રશ્નો-આંતરરાષ્ટ્રીય પડકારો તડકે મૂકીને વિપક્ષો સરકારને ભીડવવા ધંધે લાગશે અને સરકાર વિપક્ષને પાડી દેવા વ્યૂહ ઘડશે. ચર્ચાના નામે દેકારા થશે. રાજનીતિમાં સમજદારી અનરાધાર વરસે તો દેશમાં લોકકલ્યાણનો દુકાળ ન પડે.

(9:21 am IST)