Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કાયદો હાથમાં, સરકાર પગમાં !

કાયદા હાથમાં લઇને ઘુમતા ટોળા સામે સુપ્રિમ ખફા : માત્ર ગૌરક્ષકોને જ નહિ, કાશ્મીરી ટોળા અને ગુજરાતના જ્ઞાતિવાદી ટોળાને પણ આ લાગુ પડે...

સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવામાં છે. સરકાર અને વિપક્ષ એક-બીજાને પાડી દેવાના ખેલ નાખે છે. રાજયસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રસપ્રદ બનવાની છે. દરેક પક્ષો પોતાની તાકાત વધારી રહ્યા છે. ર૦૧૯ની ચૂંટણી માટે કમર કસી રહ્યા છે.

ચૂંટણી પૂરી નહિ થાય ત્યાં સુધી ભારત વિવિધ પ્રકારના પરોક્ષ અને પ્રત્યક્ષ રાજનૈતિક ટોળાઓનો દેશ બની જશે. ટોળાશાહીથી ચૂંટણી જીતવાની પરંપરા ભારતમાં છે. જોકે ગઇકાલે સુપ્રિમ કોર્ટે ટોળા પરંપરા સામે આકરી ટિપ્પણી કરી હતી અને સરકારને ટોળા અંગે કાયદો બનાવવા કહ્યું હતું. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'કાયદો હાથમાં લેવાની સત્તા ટોળાને નથી..'

ટોળા પરંપરા દેશમાં અરાજકતા અને અશાંતિ સર્જે છે. સુપ્રિમ કોર્ટે ગૌરક્ષકોના ટોળાના કેસ સંદર્ભે ટિપ્પણી કરી હતી. જોકે, આ ટિપ્પણી કોઇપણ પ્રકારના ટોળાને લાગૂ પડે છે. મનોવિજ્ઞાન પ્રમાણે ટોળામાં જોશ હોય છે, પરંતુ સમજ અને બુદ્ધિ હોતા નથી. ટોળુ પોતાને કાયદાથી પર માનવા લાગે છે. ટોળાશાહીથી દેશને ખૂબ જ નુકસાન થયું છે અને થાય છે. હવે ન થાય તે માટે સરકારી આક્રમકતા અનિવાર્ય છે.

કાયદો હાથમાં લેવાની સત્તા ટોળાને નથી, પરંતુ વારંવાર ટોળુ કાયદો હાથમાં લે છે અને મોટાભાગે એવા દૃશ્યો જોવા મળે ટોળુ કાયદો હાથમાં લે ત્યારે સરકાર-તંત્ર પગમાં પડી જાય છે.

જેન્યુન પ્રશ્ન હોય, પણ એકલ-દોકલ વ્યકિતનું કોઇ સાંભળતું નથી, આવા પ્રશ્ને ટોળુ બને અને આક્રમકતાથી રજૂઆત થાય ત્યારે અધિકારીઓ-રાજકારણીઓ ટોળાના પગમાં આળોટવા માંડે છે. સરકાર અને તંત્રની આ નીતિના કારણે ટોળાશાહીને પ્રોત્સાહન મળે છે. પહેલા આ પરંપરા બંધ થવી જોઇએ યોગ્યને અયોગ્ય પ્રશ્ને ટોળા ઉમટે છે. અરાજકતા ફેલાવે છે અને સરકાર ચરણોમાં આળોટવા માંડે છે.

કાશ્મીરમાં ટોળાશાહી જવાનો પર હુમલા કરે છે નજીકના ભૂતકાળમાં ગુજરાતમાં અનામતના નામે ટોળાઓએ અરાજકતા સર્જી હતી. ટોળાની માંગણી યોગ્ય હોય કે અયોગ્ય, પરંતુ તેના દ્વારા ફેલાતી અરાજકતાથી નિર્દોષ લોકો પરેશાન થઇ જાય છે એ હકીકત છે. સરકારો ટોળા સામે ભયભીત બની જાય છે. શાસકોને ટોળામાં મતદારોના દર્શન થવા લાગે છે, આક્રમકતા દાખવે તો એક વર્ગના મત નહિ મળે તેવો ભય તેનામાં આવે છે.

કાયદો હાથમાં લેનાર સામે પગમાં પડવાને બદલે તેની સામે આક્રમકતા જરૂરી છે. ટોળા જંગલમાં શોભે, સમાજમાં ટોળાશાહી દેશને જંગલી બનાવી શકે છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાનું સ્થાપન થવું જ જોઇએ.

 

(9:47 am IST)