Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

લીટરના ભાવનથી ન મળે લાગણી...

ખોરવાયેલા પારિવારિક જીવનને કાયદાથી ઠીકઠાક નહિ કરી શકાય... મૂલ્યોના શિક્ષણ તરફ વળવું જ પડશે

આવતીકાલે મસ્તીનો દિવસ છે. યુનો દ્વારા ૧૮ જુલાઇએ આંતરરાષ્ટ્રીય સમજ દિવસ ઉજવાય છે. રોઝ-ડેથી માંડીને ચોકલેટ-ડે જેવા કોમર્શીયલ ઉત્સવાના રવાડે ચઢેલી પેઢી માટે સમજ-સૂજ દિવસ ધામધુમથી ઉજવવો જરૂરી છે. વેલેન્ટાઇન-ડે જેવા ઉત્સવો વિવિધ કંપનીઓ દ્વારા પ્રોમટ થતા હોય છે, ધંધાદારીઓ પોતાના ધંધામાં તેજી લાવવા મીડિયા પાસે પ્રચાર કરાવે છે અને આવા દિવસો ઉજવવા ગાડરિયા પ્રવાહ શરૂ થઇ જાય છે.

 

મા-બાપ કે પ્રિયપાત્રને કાર્ડ કે ગિફટ આપી દેવાથી લાગણીની ફરજ પૂરી નથી થઇ જતી. સુખ-દુઃખના દરેક પ્રસંગોમાં લાગણીની હૂંફ અનિવાર્ય છે. ફાધર્સ-ડે, મધર્સ-ડે જેવી ઉજવણીઓ ભારતમાં ખૂબ વધી રહી છે અને વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધી રહી છે...

મા-બાપને માન-પાન આપવા કાયદા બનાવવા પડે છે. સંતાનો વિરૂદ્ધ કોર્ટે ચૂકાદા આપવા પડે છે. આટલું કર્યા બાદ પણ સ્થિતિ સુધરતી નથી એ હકીકત છે. ગઇકાલે મહારાષ્ટ્ર હાઇકોર્ટે ચૂકાદો આપ્યો ક, સંતાનો દુર્વ્યવહાર મા-બાપ સંપતિ પરત લઇ શકે છે... આ ચૂકાદો આવકાર્ય છે. વડીલોની સંપતિના સહારે સંતાનો તાગડધિન્ના કરે અને વડીલો નોધારા જેવા બની જાય એ દુઃખદ સ્થિતિ ગણાય. હાઇકોર્ટે સંતાનોને ફરજનું ભાન કરાવ્યું છે.

જોકે દૃષ્ટિકોણ બદલો તો આવા કાયદા અને ચુકાદા ભારતીય સંસ્કૃતિ માટે આઘાતજનક છે. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ માં માનનારી આ સંસ્કૃતિમાં મા-બાપની સેવા કરવા માટે કાયદા ઘડવા પડે, કોર્ટે ચૂકાદા આપવા પડે એ કલંક નથી ? ઉંડું ચિંતન કરો તો તારણ નીકળશે કે આપણી દોટ વિચિત્ર છે. સંતાન બાળક હોય ત્યારે લાગણી વ્યકત કરવા કાર્ડ ગિફટના રવાડે ચઢે છે. આ સંસ્કાર બાળકને યુવાવયે શ્રવણ બનાવી શકે ? આપણી પરંપરામાં મૂલ્યોના શિક્ષણનું મહત્વ હતું. પારિવારિક જીવન, સમાજ જીવન અને રાષ્ટ્ર પ્રત્યેના જીવન અંગે બાળકનું ઘડતર થતું હતું આવા ઘડાયેલા બાળકો શ્રવણ જેવા બની શકતા. આપણે કૂવામાં ગંદકી નાખવી છે અને અવેડામાં ગંગાજળ આવે તેવી આશા રાખીએ છીએ.. કૂવામાં નિર્મલ-શુદ્ધ જલ હશે તો જ અવેડામાં શુદ્ધ-નિર્મલ જલ આવી શકશે.

વાત્સલ્ય-લાગણી-પ્રેમ-ફરજ વગેરે મનોભાવથી કેળવાય છે. આ અંગે કાયદા બને તેનો વિરોધ ન કરી શકાય, પરંતુ કાયદા બનાવવાથી કે ચૂકાદા આપવાથી પ્રશ્ન ઉકલી જવાનો નથી. સંપત્તિ માટે કદાચ સંતાન મા-બાપને ઘરમાં રાખશે, પણ સ્વમાન કે પ્રેમ ન મળે તો મા-બાપને જીવવાની મજા નહિ આવે. મજા વગરનું જીવન વૈતરણીથી વિશેષ નથી...

પ્રેમ-લાગણી લીટરના ભાવથી મળવાના નથી... આ માટે ફરજ પાડવી પણ શકાય નથી... બાવળની વાવણી કરો અને કેરી ઉગે તેવી આશા રાખી ન શકાય. કેરી ઉગાડવી હોય તો તેની ગોટલી વાવવી પડે. મા-બાપને ભરપૂર પ્રેમ આપવો આપણી સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરા જાળવવી હોય તો બાળપણમાં શિક્ષણ અપાય છે તેમાં મૂલ્યોનું શિક્ષણ આપવાની પરંપરા ફરી સ્થાપિત કરવી જ પડે. આંતરરાષ્ટ્રીય સમજ દિવસની પૂર્વ સંધ્યાએ પ્રાર્થના કરીએ કે, એટલી સમજ ભારતમાં સ્થપાય કે પ્રેમ-લાગણી વાત્સલ્ય ધરાર સંભવ નથી, વેચાતા મળતા નથી. આ તત્વો સમજદારીથી સ્થાપિત થાય તો જ શકય બને.

(9:33 am IST)